કોંગ્રેસ નેતાનો પુત્ર દુષ્કર્મની ફરિયાદના 5 દિવસે પણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે
પીડિતાના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પોલિસે હોસ્પિટલમાંથી મેળવ્યો
વડોદરા: વડોદરાના કોંગી નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે ૨૧ વર્ષીય યુવતી ઉપર પાશવી બળાત્કાર ગુજારવાનો આરોપ છે. જોકે પિતાના લાગવગ અને પહોચના જોરે દુષ્કર્મની ફરિયાદના પાંચ દિવસે પણ આરોપી પકડાયો નથી. પોલીસે CCTV અને કોલ ડિટેલના આધારે શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે. બીજી તરફ પોલીસથી ફફડી ઊઠેલા આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી છે. ૨૬ વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે ધાકધમકી આપીને જબરદસ્તી અબોર્શન કરાવી દીધું હતું. આ વાતનો ભાંડો ફુટતા યુવતીના પરિવાર હચમચી ગયો હતો.નરાધમ સામે યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે યુવતીએ ધો. ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે.
નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ સી.બી. સોલંકીને સોંપવામાં આવતા જ કેસની તપાસ શરૂ કરી છે. આરોપીને ઝડપી પાડવા બે ટીમોએ શોધખોળ શરૂ કરી છે. જોકે, હજી સુધી આરોપી અનિરુદ્ધસિંહ હાથમાં આવ્યો નથી.
બળાત્કારી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડયા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ ૧૯૯૦માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા.
આ કેસના તપાસ અધિકારી સી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, કેસની તપાસ ચાલી રહી છે અને યુવતીના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પણ હોસ્પિટલમાંથી મેળવ્યો છે અને ટુંક સમયમાં આરોપીને ઝડપી પાડવા શોધખોળ ચાલુ છે.