ગતરોજ રસ્તો દબાતો હોવાની દુકાનદારોની ફરિયાદ બાદ આજે સવારે પડ્યો ભુવો
અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
વડોદરા : માંજલપુરથી GIDC તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા 40 વર્ષથી અહીં નિવાસ કરતા ડૉ. અહિત વ્યાસે જણાવ્યું કે, ગઈકાલ સાંજથી જ રોડ દબાતો હોવાનું આસપાસના દુકાનદારો અને રહેવાસીઓએ નોંધ્યું હતું. આજે સવારે રસ્તાની એક સાઇડ પર મોટો ભુવો પડ્યો હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે જોખમ ઉભું થયું છે. જોકે, ભાજપના કોર્પોરેટર કેતન પટેલ ઉર્ફે કક્કુ અહીં જોવા માટે પણ નહીં ફરકતા લોકોમાં રોષ ફેલાયો છે.

ડૉ. અહિત વ્યાસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક અનુમાન છે કે, રસ્તાની નીચેની જૂની ડ્રેનેજ લાઈન તૂટી ગઈ હોવાથી જમીન ધસી પડી છે. જેના કારણે રોડની સપાટી નીચે ખાલી જગ્યા બની અને આખરે ત્યાં ભુવો પડી ગયો.
સ્થાનિક કોર્પોરેટરને અને મ્યુનિસિપલ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી સ્થળ પર તંત્રના કર્મચારીઓ પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, સ્થાનિક કોર્પોરેટર કેતન પટેલ ઉર્ફે કક્કુ સ્થળ પર જોવા નહિ મળતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ, ડ્રેનેજ અને રોડની તાત્કાલિક મરામત શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
આ દુર્ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ છે. ઘણા લોકોને ચિંતા છે કે, આવી ઘટના ફરી ન બને તે માટે તંત્રએ યોગ્ય તપાસ અને મજબૂત મરામત કરવી જોઈએ.
– VMC અધિકારીઓનું નિવેદન…
મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું કે, “પ્રાથમિક તપાસમાં ડ્રેનેજ લાઈન તૂટી હોવાનો અંદાજ છે. સંપૂર્ણ તપાસ બાદ જ સાચો કારણ બહાર આવશે. હાલ રસ્તો બંધ રાખવામાં આવ્યો છે અને લોકોની સલામતી માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.”
