સોમા તળાવ પાસે પાલિકા દબાણ શાખાની ટીમે 20 લારીઓ અને સામાન જપ્ત કર્યા
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર માર્ગો પર ઉભા દબાણો દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ દબાણ શાખાએ કાર્યવાહી કરી; સ્થાનિકોમાં રાહત, દબાણો સામે પાલિકા દ્વારા કડક પગલાંની ચીમકી

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સોમા તળાવ પાસે છેલ્લા કેટલાક સમયથી દબાણો ઉભા થતાં સ્થાનિક લોકોને તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ટ્રાફિકની સમસ્યા તથા જાહેર માર્ગો પર અવરોધ સર્જાતા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર 16 વિસ્તારમાં આવેલા સોમા તળાવ પાસેના 15 થી 20 જેટલા લારીઓ, ટેબલ-ખુરશી સહિતના દબાણોને દૂર કરી, તે સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહીથી રસ્તા ખુલ્લા થતાં સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં જાહેર માર્ગો પર દબાણો દૂર કરવા માટે સતત કામગીરી ચાલુ રહેશે અને નડતરરૂપ દબાણો સામે કડક પગલાં લેવામાં આવશે.
સ્થાનિક લોકો અને વેપારીઓને અપીલ
પાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓ અને રહીશોને અપીલ કરવામાં આવી છે કે, જાહેર માર્ગો પર દબાણો ન કરે અને શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહયોગ આપે.