પાછળના ઇજાગ્રસ્ત સવારની પાસળીઓ ભાંગી ગઈ
વડોદરા: દેવગઢ બારીયા ગામનો યુવાન ખેતીકામ કરવા સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા ગામે જતા હાલોલ રોડ ઉપર ડિસેન્ટ હોટલ પાસે બાઇક સ્લીપ થઇ ગઇ હતી. ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું.
પંચમહાલ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સાગટાળા ગામના બાર મહુડી ફળિયામાં રહેતા 30 વર્ષીય બિપીન રાયસિંગભાઈ નાયક 15 મી તારીખે રાત્રે સાવરકુંડલા જવા માટે બાઈક લઈ ને એકલા નીકળ્યા હતા. દેવગઢબારિયા ગામના લાવરીયાવાસ ફળિયામાં રહેતા રાજુ ભુપતભાઈ ચૌહાણને જરોદ નજીક આવેલા ગોડિન્દ્રા ગામે પોતાની બાઈક લેવા જવાની તૈયારી કરતા હતા તે અરસામાં મિત્ર બિપિન નીકળ્યો હતો વાતચીત કરતા બીપીને રસ્તામાં આવતા ગોડિદ્રા ગામ પાસે ઉતારી દેવાનું કહેતા રાજુ બેસી ગયો હતો. રાત્રે 10 વાગે હાલોલ રોડ ઉપર આવેલી ડિસેન્ટ હોટલ પાસેથી બાઇક પસાર થતા એકાએક ધડાકાભેર સ્લીપ થઇ ગઇ હતી. બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા. અને બંને ઈજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ બજાવતા તબીબોએ બિપીનનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતુ. જ્યારે રાજુને ગરદન અને પાંસળી ઓ મા ઇજા પહોંચી હોવાના કારણે સારવાર હાથ ધરી હતી.
ઇજાગ્રસ્ત રાજુના ભાઈ જગદીશે જણાવ્યું હતું કે મારો ભાઇ આઇશર નો ડ્રાઈવર છે. તેની બાઈક ગોડિદ્રા ખાતે મારા ફઈ ના ઘરે પડી હતી તે લેવા નીકળ્યો હતો. અને રસ્તામાં આ અકસ્માત સર્જાતા મારા ભાઈને ઈજાઓ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે રાત્રે 10 વાગ્યાની આસપાસ જરોદ પાસે પણ બાઈક અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા એક જ સમયે કરુણ મોતના બે અકસ્માતના પગલે એકત્ર થઈ ગયેલા સ્વજનોની રોકકળ થી પોલીસ સ્ટેશન મા ગમગીનીનો માહોલ સર્જાયો હતો.