Vadodara

વડોદરા મકરપુરા વિસ્તારમાં પાણીની તંગી 1000થી વધુ રહીશો ચાર દિવસથી પાણી વગર તડપ્યા


અયોધ્યા ટાઉનશિપ અને રિયા બંગલોઝના રહીશો પાણીની અછતથી પરેશાન, 17 વર્ષથી ઉકેલ ન મળતા રોષ

વડોદરા : મકરપુરા વિસ્તારમાં પાણીની તંગીથી રહીશો પરેશાન
મકરપુરા એરફોર્સ પાછળની સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણીની ભારે તંગી સર્જાઈ છે. અયોધ્યા ટાઉનશિપ અને રિયા બંગલોઝ સહિત આશરે 1000થી વધુ રહીશો પીવાના પાણી વગર તડપી રહ્યા છે.


સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. રહીશોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા 17 વર્ષથી નિયમિત વેરો ભરતા હોવા છતાં પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનો હલ લાવી શક્યા નથી. રહીશોનું કહેવું છે કે, ચૂંટણીઓ વખતે વોટ માગવા માટે આગેવાનો આવે છે, પરંતુ પાણી જેવી મૂળભૂત સુવિધા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી.


પાલિકા દ્વારા પાણીની મોટર જપ્ત કરાતા રહીશોનો રોષ વધુ વધી ગયો છે અને તેઓએ પાલિકા કમિશનરને રજૂઆત કરવા વડી કચેરી ખાતે પહોચ્યા હતા. રહીશોનું કહેવું છે કે, પાણી વિના જીવન મુશ્કેલ બની ગયું છે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મકરપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વસતી અને વિકાસ વધ્યો હોવા છતાં પાણી જેવી મૂળભૂત સુવિધામાં સતત અવરોધો આવી રહ્યા છે. રહીશો દ્વારા તાત્કાલિક પાણી પુરવઠો પુનઃશરૂ કરવાની માંગ સાથે પાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top