છેલ્લા કેટલાક સમયથી આખા વિશ્વને ચિંતા કરાવતા અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધમાં કંઇક રાહતના સમાચાર આવ્યા છે. બંને દેશો એકબીજા પર તેમણે લાદેલા આકરા ટેરિફને ત્રણ મહિના સુધી મોકૂફ રાખવા સહમત થયા છે. અમેરિકી અને ચીની અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ તેમના તાજેતરના મોટાભાગના ટેરિફ પાછા ખેંચવા અને તેમના વેપાર વિવાદોના ઉકેલ માટે વધુ વાટાઘાટો માટે તેમના વેપાર યુદ્ધમાં 90 દિવસનો વિરામ મૂકવા માટે એક કરાર પર પહોંચ્યા છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચીની માલ પરના 145 ટકાના ટેરિફ દરને 115 ટકા પોઇન્ટ ઘટાડીને 30 ટકા કરવા સંમત થયું છે, જ્યારે ચીન અમેરિકી માલ પરના તેના દરને એટલો જ ઘટાડીને 10 ટકા કરવા સંમત થયું છે.
ગ્રીર અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે જીનીવામાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી. બંને અધિકારીઓએ સકારાત્મક સ્વર વ્યક્ત કર્યો જ્યારે તેઓએ કહ્યું હતું કે બંને પક્ષોએ તેમના વેપાર મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે મંત્રણાઓ યોજી હતી. વિશ્વની આ બંને ટોચની આર્થિક સત્તાઓ વચ્ચે સામસામા આકરા ટેરિફ ઝિંકાવાના શરૂ થતા અને તેને પગલે વેપાર યુદ્ધની સ્થિતિ નિર્માણ થતા વિશ્વભરમાં તેની અસરો થવા માંડી હતી. જો આ ટેરિફ યુદ્ધ મોટા વેપાર યુદ્ધમાં પરિણમ્યું હોત તો વિશ્વભરમાં તેના વધુ મોટા આંચકાઓ લાગ્યા હોત, પણ હાલ તો સદભાગ્યે હંગામી રીતે પણ આ યુદ્ધ અટકી ગયું છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફના નામે ચીન પર આકરા ટેરિફ નાખ્યા અને પછી એકબીજાની નિકાસો પર જે આકરા આયાત વેરાઓ લાદવાનું શરૂ થયું તે એક તબક્કે તો હાસ્યાસ્પદ સ્તરે ગયું. આટલા ઉંચા ટેરિફ પછી બંને દેશોને એકબીજાના દેશમાં વેપાર કરવાનું પોસાય તેમ ન હતું. છેવટે આ સ્થિતિ નિવારવા બંને દેશો વચ્ચે ત્રાહિત સ્થળે વાટાઘાટો થઇ. અમેરિકાના તિજોરી સચિવ બેસેંટે બે દિવસની વાટાઘાટો પછી ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ સ્તર બંને પક્ષના માલના સંપૂર્ણ અવરોધ સમાન હોત, જે પરિણામ બંને પક્ષ ઇચ્છતા નથી.
બંને દેશોએ દેખીતી રીતે પોત પોતાના હિતોનો વિચાર કરીને જ આ હંગામી કરાર કર્યો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે આ કરારને બંને દેશોના મતભેદોના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આ પહેલ બંને દેશોના ઉત્પાદકો અને ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સુસંગત છે અને બંને રાષ્ટ્રોના હિત તેમજ વિશ્વના સામાન્ય હિતોને પૂર્ણ કરે છે એમ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે. તેમાં ઉમેર્યું હતું કે ચીનને આશા છે કે યુએસ એકપક્ષીય ટેરિફ વધારાની ભૂલભરેલી પ્રથા બંધ કરશે અને તેમના આર્થિક અને વેપાર સંબંધોના વિકાસને સુરક્ષિત રાખવા માટે ચીન સાથે કામ કરશે, જેનાથી વૈશ્વિક અર્થતંત્રમાં વધુ નિશ્ચિતતા અને સ્થિરતા આવશે.
જો કે વોશિંગ્ટન અને બેઇજિંગ દ્વારા લાગુ કરાયેલા જટિલ ટેરિફ અને અન્ય વેપાર દંડ પર આની કુલ અસર અસ્પષ્ટ રહે છે. અને 90-દિવસના સસ્પેન્શન દરમિયાન તેઓ લાંબા સમયથી ચાલતા મતભેદોને દૂર કરવાના રસ્તાઓ શોધશે કે નહીં તેના પર ઘણું નિર્ભર છે. વિશ્વની બે મુખ્ય આર્થિક શક્તિઓએ વૈશ્વિક અર્થતંત્રને અસ્થિર બનાવનારા સંઘર્ષમાંથી એક પગલું પાછળ હટતાં શેરબજારમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. બંને દેશોના ટેરિફ અંગેના આ નિર્ણયથી રોકાણકારો ખુશ થઇ ગયા હતા અને શેરબજારો ઉછળ્યા હતા. અમેરિકા ઉપરાંત વિશ્વમાં અન્યત્ર પણ શેરબજારો ઉછળ્યા હતા. ભારતના શેરબજારમાં પણ સેન્સેક્સમાં ૨૯૦૦ પોઇન્ટ જેટલો જંગી ઉછાળો આવ્યો. તેલના ભાવ પ્રતિ બેરલ USD 1.60 થી વધુ વધ્યા અને યુરો અને જાપાનીઝ યેન સામે અમેરિકી ડોલર વધ્યો હતો. વિશ્વના નાણાબજારો પર આ કરારની અસર સૂચવે છે કે બંને દેશો વચ્ચેના વેપાર તનાવની અસરો કેટલી વ્યાપક હશે?
ટ્રમ્પના આકરા કથિત રેસિપ્રોકલ ટેરિફ પછી ચીન સાથે જે ટેરિફ યુદ્ધ શરૂ થયું અને એકબીજા પર ઝનૂને ભરાઇને જે આકરા ટેરિફો લાદવામાં આવ્યા તેના પછી બંને દેશોમાં એક બીજાની વસ્તુઓ એટલી મોંઘી થઇ જાય તેમ હતુ઼ તે વેચાવાનું સંપૂર્ણ અશક્ય નહીં તો યે ખૂબ મુશકેલ બની ગયું હોત. આપણે અગાઉ જ જોઇ ગયા તેમ બંને દેશોને આ પોસાય તેમ ન હતું. છેવટે બંનેએ મંત્રણાના મેજ પર ભેગા થઇને કંઇક ઉપાય શોધવાનું નક્કી કર્યુ. હાલ તો હંગામી રીતે બંનેના ટેરિફ ખૂબ ઘટી ગયા છે અને લાગે છે કે તેઓ કાયમી ધોરણે હવે ટેરિફ ઘટાડશે.