નાગરિકોની ફરીયાદોનું યોગ્ય મોનીટરીંગ અને ઝડપી નિકાલ માટે કાર્ય પદ્ધતિ વિકસાવવા પર ભાર મૂકાયો
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે તા. ૧૩ મે ૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા પહેલાંની તૈયારીઓ, સફાઈ કામગીરી, નગર વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે દરેક ઝોનમાં મેનહોલ, કેચપિટ, નાળા અને ચેનલની સફાઈ સમયસર પૂર્ણ કરવા સુચના આપી. ભવિષ્યના આયોજન માટે મેરેથોન, સાયકલોથોન, ફુલ શો, સ્પોર્ટ્સ એક્ટિવિટી, ક્વિઝ સ્પર્ધા, હેપી ફન સ્ટ્રીટ અને બુક ફેર યોજવાની પણ ચર્ચા થઈ. યુનેસ્કોમાં વડોદરાને હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે પ્રયાસો ઝડપી કરવા જણાવ્યું. શહેરમાં ધૂળમુક્ત રસ્તા બનાવવા, માર્ગના કિનારે વૃક્ષો વાવવા, ચાર ઝોનમાં શાકભાજી બજારનું આયોજન કરવા તેમજ હેલ્થ મ્યુઝિયમ બનાવવાની વાત પણ કરવામાં આવી.
પીવાનું પાણી, સફાઈ, ડ્રેનેજ, શહેરના પાર્ક, STP-WTP અને કમાટીબાગમાં સીસીટીવી કેમેરા સુધારવા અને નવી જગ્યા પર નવા કેમેરા લગાવવાની સૂચના આપી. નગરગૃહો, સ્વિમિંગ પુલ અને આરોગ્ય કેન્દ્રોને વધુ યોગ્ય બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ. નાગરિકોની ફરીયાદોનું યોગ્ય મોનીટરીંગ થાય અને ઝડપી નિકાલ થાય તે માટે કાર્ય પદ્ધતિ વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો. તેમજ શહેરના દબાણો દૂર કરવા, પાણી અને નાળાની લાઇનના લીકેજ દૂર કરવા, સફાઈ કર્મીઓને સમયસર હાજર રહે અને નિયમિત સફાઈ થાય એ માટે જરૂરી પગલાં લેવાનું જણાવાયું. ગંદકી ફેલાવનાર સામે દંડની કાર્યવાહી કરવા પણ સૂચના આપી. તળાવના આઉટલેટ, ટ્રાફિક સિગ્નલ, પ્રાકૃતિક ખેતી માર્કેટ, લોકલ ફોર વોકલની જાગૃતિ, રમતગમતને પ્રોત્સાહન, વૃક્ષારોપણ અને કેચ ઘ રેન પ્રોજેક્ટને મહત્વ આપવા અંગે પણ ચર્ચા કરાઈ.રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ દ્વારા નાગરિકોને સીધો લાભ મળે અને મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં સોલાર રૂફટોપ લગાવી વીજળી બચાવવા અભિયાન ચલાવવાનું નક્કી કરાયું.