Vadodara

આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા

શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ તથા હવામાં ભેજનું પ્રમાણ 41% રહેતાં શહેરીજનોને ઉકળાટનો અનુભવ

( પ્રતિનિધિ) વડોદરા તા. 12

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનોને ઉચાટ અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

ગત અઠાડિયે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગત સોમવારે શહેરમાં ઝડપી પવનો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જેમાં રાજ્યના કેટલાક ભાગોમાંથી અંદાજે 13 જેટલા લોકોના મોત નિપજ્યાં હતાં જેમાં વડોદરા શહેરના ત્રણ લોકોના વીજ કરંટ, હોર્ડિગ્સ પડવાને કારણે મૃત્યુ થયા હતા સાથે જ વૃક્ષો, હોર્ડિગ્સ તથા જર્જરિત ઇમારતના ભાગ ધરાશાયી થતાં કેટલાક વાહનોને નુક્સાન થયું હતું તો કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બુધવારે વહેલી સવારથી સાંજ સુધી અઢી ઇંચ થી વધુ મધ્યમ કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં સાથે જ શહેરમાં ઠંકકભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ શનિવારથી સતત મહત્તમ તાપમાનમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધતાં શહેરીજનોને ઉચાટ અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ છૂટોછવાયો કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.
હાલમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, અરવલ્લી, અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના કરવામાં આવી છે. સાથે જ આગામી સાત દિવસમાં ગુજરાતમાં મહતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગત શનિવારથી શહેરમાં મહત્તમ તાપમાન 2.5 થી 3.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતાં લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે રાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સાત દિવસોમાં હજી મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે પાંચ દિવસ વહેલાં સક્રિય ચોમાસું બેસવાની પણ વકી કરાઇ છે ત્યારે શહેરના નવલખી મેદાનમાં ટીટોડીએ જમીન પર ઇંડું મૂક્યું છે ત્યારે આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેવાની સંભાવના છે.. વડોદરા શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 41% રહેવા પામ્યું હતું.

Most Popular

To Top