Vadodara

ડભોઇના ભોજવાણી બંધુઓ સામે આરટીઓ રજિસ્ટ્રેશન નહીં કરાવવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ

પહેલી ફરિયાદ 15 એપ્રિલ, બીજી 25 અને ત્રીજી 10 મેએ નોંધાઈ છતાં પોલિસ તપાસના નામે ઠેરની ઠેર
વડોદરા: ડભોઇમાં રહેતા અને વેગા ગામે હીરો શ્રીજી ઓટોમેટીવ નામથી શોરૂમ ધરાવતા ભોજવાણી બંધુઓ સામે ત્રીજી ફરિયાદ નોંધાઇ છે. બાઈક ખરીદનારને આરટીઓ રજીસ્ટ્રેશન નહીં કરાવી આપીને આર ટી ઓ અને સરકારને પણ ગોળ ગોળ ફેરવતા હોવા છતાં પોલીસ તપાસમાં તદ્દન ઢીલી નીતિ અપનાવી રહી હોવાનું હોવાનું જાણવા મળ્યું હતું.
ડભોઇમાં રહેતા દીપક ઉર્ફે ભોલું ભરત ભોજવાણી અને તેમના ભાઈ મનહર ભરત ભોજવાણી વેગા ચોકડી નજીક હીરો શ્રીજી ઓટોમેટીવ એક દાયકા પહેલાં ચાલુ કર્યો હતો વાહન ખરીદ કરવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ ભોજવાણી બંધુઓ આપતા હતા.તેમના શોરૂમમાંથી ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ડભોઇ સ્ટેશન રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર નિમેષકુમાર ભગવતીપ્રસાદ રામીએ બાઈક ખરીદ્યું હતું. આ બાઈકનું રજીસ્ટ્રેશન શો રૂમના ડીલરોએ કરી આપવાનુ હોય છે. આરટીઓ કચેરીમાં ભરવાપાત્ર તમામ નાણાં ખંખેરી લીધા હોવા છતાં ભોજવાણી બંધુઓએ આ જ સુધી રજીસ્ટ્રેશન કરી આપ્યુ નથી. અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે અનેક ધક્કા ખાવા છતાં ભોજવાણી બંધુઓએ ઉડાવ જવાબો આપ્યા હતા. આખરે હારી થાકીને નાસીપાસ થઈ ચુકેલા કોન્ટ્રાક્ટરે ડભોઇ પોલીસ મથકે ઠગ બંધુઓ વિરુદ્ધ ગુનો નોંધાવતા ગઠિયાઓ વિરુદ્ધ ત્રીજો ગુનો નોંધાયો હતો.
કોન્ટ્રાક્ટરે મોપેડ આપીને બાઇકના 98 હજાર ચૂકવી દીધા છે.
ભોજવાણી બંધુઓના ગોરખધંધા અંગે કોન્ટ્રાક્ટર નિમેશ રામીએ જણાવ્યું હતું કે 2022ની સાલમાં ધનતેરસના દિવસે બાઈક લીધી ત્યારે મારી મેસ્ટ્રો મોપેડના એક્સચેન્જમાં 18000 રૂપિયા ગણ્યા હતા. ત્યારબાદ 2100 રૂપિયા રોકડા ડીપીના ભર્યા છે. અને બાકીના 41,900 તેમજ 40000 રોકડની પહોંચ પણ મને આપી હતી. બાઈક રજીસ્ટ્રેશન કરાવવા માટે વિશ્વાસઘાતી બોજવાણી બંધુઓએ મારી પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના પુરાવા પણ લીધા છે છતાં આટલા વર્ષે હજુ પણ મારી બાઈક રજીસ્ટ્રેશન થઈ નથી .
ડભોઇમાં 300 બાઇક રજિસ્ટ્રેશન વગર ફરે છે?
સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડનારા ભોજવાણી બંધુઓ ધન સંપત્તિના માલિક તેમજ ઉપર સુધી રાજકીય વર્ગ ધરાવતા હોવાના કારણે પોલીસના હાથ ટૂંકા પડે છે તેવું ડભોઇ પંથકમાં ચર્ચા રહ્યું છે ભેજાબાજ ભોજવાણી બંધુઓએ અત્યાર સુધીમાં કેટલા વાહનો વેચાણ કર્યા તે અંગે હજુ સુધી પણ પોલીસ અજાણ છે. નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તો પોલીસ કઈ રીતે આરોપીઓને પકડશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ડીવાયએસપીએ ગુના સંબંધીત વિગત મેળવી
ડભોઇ પંથકમાં સેંકડો વાહનો રજીસ્ટ્રેશન વગર જ ફરતા હોવા બાબતે ડીવાયએસપી મિલન મોદી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નોંધણી વગરના વાહનો અંગે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે. નોંધણી વગરના વાહનો ચલાવવા ગુનો બને છે શક્ય એટલા જલ્દીથી ગુના સંબંધીત તપાસ ઊંડાણપૂર્વક હાથ ધરાશે.

Most Popular

To Top