Vadodara

કમાટીબાગમાં 4 વર્ષની બાળકીનું જોય ટ્રેનની અડફેટે કરુણ મોત

જંબુસરના પરિવારની દીકરીના મોત પાછળ કોણ જવાબદાર?

ઉનાળુ વેકેશનમાં પરિવાર સાથે ફરવા આવેલી 4 વર્ષની બાળકીનો જીવ જોય ટ્રેન હેઠળ ભક્ષાયો, સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા થયા

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે શનિવારે સાંજના સમયે ઉનાળુ વેકેશન માણવા આવેલા એક પરિવાર માટે ભયાનક દુઃસ્વપ્ન સાબિત થયું, જ્યારે તેમની માત્ર 4 વર્ષની દિકરી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું. લોકોથી ભરેલા બાગમાં બાળકીને નિખાળું જોઈ મોત ભેટતા સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃત બાળકી ખાતિમ પરવેઝભાઈ પઠાણ, ભરૂચ જિલ્લાના જંબુસરના સોગાદ વાડી વિસ્તારના રહેવાસી પરિવારની દીકરી હતી. ઉનાળુ રજાના કારણે પરિવાર વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યો હતો. બપોર પછીનો સમય હતો જ્યારે પરિવારના સભ્યો જોય ટ્રેન સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે સમયે સ્ટેશન નજીક ગેટ નંબર 2 પાસે આવેલ શૌચાલય પાસે નાની બાળકી જોય ટ્રેનના આગળ આવી ગઈ હતી. સ્થળ પર જ બેભાન થયેલી બાળકીને તાત્કાલિક ઓટોરિક્ષા દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી. આ જાણ થતાં પરિવારજનો પર દુઃખનો ડાઘ પડી ગયો અને હોસ્પિટલના ચોપડે શોક છવાઈ ગયો.

સમગ્ર મામલે જોય ટ્રેનના મેનેજરે જણાવ્યું કે ટ્રેનમાં અંદાજે 100 જેટલા મુસાફરો સવાર હતા અને સયાજીબાગમાં પ્રવાસ શરૂ કર્યો હતો. ગેટ નંબર 2 નજીક ઘટના બનેલી અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તત્કાળ જોય ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે અને તમામ મુસાફરોને ટિકિટના રિફંડ આપવામાં આવ્યા છે. વેઇટીંગમાં બેઠેલા મુસાફરોને પણ રિફંડ કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા કાઉન્સિલર જાગૃતિ કાકા પણ ઘટના જાણીને હોસ્પિટલ દોડી ગયા હતા અને દુઃખિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ચિરાગ બારોટે સ્પષ્ટ કર્યું કે બનાવમાં કોઈપણ પ્રકારની બેદરકારી સાબિત થતી હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉનાળાના વેકેશનમાં સયાજીબાગ એક મુખ્ય આકર્ષણ છે, જ્યાં હજારો લોકો પરિવાર સાથે ફરવા આવે છે. આવી પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની ઉણપ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો સમયસર નિયમિત દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત, તો કદાચ આ દુઃખદ ઘટના ટાળી શકાત.

ત્રણ મહિના પહેલાં 7 મેમ્બરની કમિટીએ NOC આપી હતી

બે નંબરના ગેટ પાસે સુલભ શૌચાલય નજીક ભરૂચનું એક ફેમિલી ચાલતું જતું હતું. આ દરમિયાન પરિવારની દીકરી કુતૂહલવશ ટ્રેનમાં ગઈ અને આ અકસ્માત સર્જાયો અને દીકરીનું મોત નીપજ્યું છે. ત્રણ મહિના પહેલા જ સાત મેમ્બરની કમિટીએ જોય ટ્રેન ચલાવવાની NOC આપેલી છે. – મંગેશ જયસ્વાલ, હ. ડાયરેક્ટર, પાર્કસ એન્ડ ગાર્ડન


જોય ટ્રેનનું સર્ટિફિકેટ આપવાનું કાર્ય પોલીસ વિભાગનું
હું કમિટીમાં છું પણ લાયસન્સ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવે છે. હું આ કમિટીના એડમિન વિભાગમાં છું. મારે કોઇ સર્ટિફિકેટ આપવાનું નથી હોતું. જે તે વિભાગવાળા સર્ટિફિકેટ આપતા હોય છે. જોય ટ્રેનનું લાયસન્સ પણ પોલીસ વિભાગ જ આપે. – સુરેશ તુંવર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર


જવાબદારીમાંથી પીઠ પાછી ખેંચતી પાલિકા

શહેરમાં અવારનવાર થતી દુર્ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. તંત્રની બેદરકારી અને જવાબદારીના અભાવે અનેક માસૂમો જીવ ગુમાવી રહ્યા છે. હાલની ઘટના એકલો કિસ્સો નથી, આ અગાઉ પણ હરણી બોટકાંડ જેવી હ્રદયદ્રાવક ઘટના બની હતી, તેમજ જોય ટ્રેન અકસ્માતો પણ થઇ ચૂક્યા છે. છતાં પણ હજી સુધી કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં લેવાયા નથી, અને આવા કેસો માત્ર ફાઈલોમાં દફન થઈ જાય છે. જાહેર વ્યવસ્થાઓનું યોગ્ય નિર્ભર સંચાલન થાય તે માટે પાલિકા જવાબદાર હોય છે, પણ હાલની પરિસ્થિતિ જોઇએ તો દ્રષ્ટિએ આવે છે કે દરેક સેવાઓ, કે તે બોટિંગ હોય, જોય ટ્રેન હોય કે અન્ય સેવા હોય, પાલિકા દ્વારા મુખ્યત્વે તમામ સેવાઓ કોન્ટ્રાક્ટ આધારે ચલાવવામાં આવે છે. દરેક બાબતમાં જવાબદારી પોતેથી દૂર કરીને ખાનગી સંસ્થાઓને કામ સોંપી દેવામાં આવે છે, જેના પરિણામે વ્યવસ્થામાં શિસ્તનો અભાવ જોવા મળે છે. શહેરીજનોમાં હવે ઉગ્ર માંગ ઉઠી રહી છે કે પાલિકાએ મહત્વપૂર્ણ સેવાઓ પોતાની હેઠળ લઈ, પોતાની સીધી દેખરેખ હેઠળ ચલાવવી જોઈએ. ખરેખર, જ્યારે જવાબદારી તલવારની જેમ સીધા તંત્રના માથે ટકે, ત્યારે જ પ્રણાલી સુધરશે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઇ શકે તેવું હવે સ્થાનિકો માની રહ્યા છે.

Most Popular

To Top