શિનોર : શિનોર તાલુકાના માલસર નર્મદા નદીમાં અસા પુલ નીચેથી માલસર ગામ તરફના કિનારે ગત તારીખ 8ના રોજ ગુમ થયેલા વડોદરાના યુવાનની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવતા શિનોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સડી ગયેલી લાશને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વડોદરાના અલવાનાકા માંજલપુરમાં રહેતા રામરૂપ સરોજ રાધે શ્યામ સરોજનો પુત્ર દિપકભાઈ, ઉંમર વર્ષ 28 ઈકવીટસ 2 બેંકમાં નોકરી કરતા હતા. તેઓ ગત તારીખ 08-05 -2025ના રોજ નોકરીએ જવાનું કહી સવારે નવેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ નંબર જીજે 06 એન એલ 88 99 લઈ નીકળી ગયા હતા. તેના પિતા રામરૂપ સરોજ પણ પોતાના ફેબ્રિકેશનના ધંધા પર ગયા હતા. તે દરમિયાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં તેઓને ફોન પોલીસ કર્મચારીઓનો ગયેલો અને નર્મદા નદી પર માલસર આશા પુલ પર એક મોટરસાયકલ ચાવી સાથે છે અને ત્યાં એક કાળા કલરનો થેલો પણ પડ્યો છે, જે મોટરસાયકલનો નંબર જીજે 06એન એલ 88 99 છે તેમ જણાવાયું હતું. થોડીવાર પછી તેમનો પુત્ર દિપકભાઈ બેંકમાં નોકરી કરતો હોય તે બેંકમાંથી પણ ફોન આવ્યો હતો કે તમારો દીકરો દિપક આજે બેંકમાં નોકરી પર આવ્યો નથી. તેથી તેના મોબાઈલ ફોન નંબર 81 600 55 434 પર ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો. તેથી તેઓ તાત્કાલિક માલસર અસા પુલ પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમના દીકરાની મોટરસાયકલ તથા થેલો અને હેલ્મેટ પડેલી જોઈ હતી. જેથી તેઓએ વડોદરામાં રહેતા પોતાના નજીકના સગા સબંધીઓને ત્યાં તપાસ કરતા દીપકનો કોઈ પતો લાગ્યો નહોતો. તેથી ગત તારીખ 08 -05- 2025 ના રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયા અંગેની જાણવા જોગ જાહેરાત આપી હતી. આજ રોજ તારીખ 10 -05- 2025 ના રોજ શિનોર તાલુકાના માલસર ગામ તરફના કિનારા નજીક નર્મદા નદીના પાણીમાં માલસર અસા પુવ નીચેથી ગુમ થયેલા દીપકની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવતા શિનોર પોલીસે મૃતકના પિતાને બોલાવી ઓળખ કરાવી હતી . સડી ગયેલી લાશનું ફોરેન્ન્સીક પોસ્ટમોર્ટમ કરવાનું હોઇ લાશને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. શિનોર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ જિલ્લાના ત્રિભેટે આવેલો બ્રિજ, પોલીસ સ્ટેશનની હદ નક્કી કરવામાં કાર્યવાહી અટવાય છે
નર્મદા નદીના કિનારાને જોડતો માલસર અસા પુલ ત્રણ જિલ્લાના ત્રિભેટે આવેલો છે. આ પુલ પર કોઈ અઘટિત ઘટના બને તો તેને માટે કયા પોલીસ સ્ટેશનની હદ લાગે છે તેના વિવાદમાં ક્યારે કાયદેસર કાર્યવાહી કરવામાં ઘણું મોડું થતું હોય છે અને ભોગ બનનારાઓને હાલાકી પડતી હોય છે હોલાકી પડે નહીં તે માટે આ પુલ પર પોલીસ સ્ટેશનની હદ નક્કી થતું દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવે એવી શિનોર પંથકના લોકોની માંગ છે.