મનરેગાના આરોપીઓ પકડથી દુર : હવે પોલીસ તંત્ર કોના પર ત્રાટકશે?
દાહોદ:
દાહોદમાં મનરેગા યોજનામાં ૭૦ કરોડના કૌંભાંડનો પર્દાફાર્શ થયા બાદ ખુદ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આ મામલામાં કેટલાંક આરોપીઓની અટકાયત કરી છે. પરંતુ આ મસમોટા કૌંભાંડ પ્રકરણમાં મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવવાની પુરેપુરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સમયે મનરેગા યોજનાના ઘણા એવા એજન્સી ધારકો તેમજ મંત્રી પુત્રો સહિત મોટા મોટા ચહેરાઓ હાલ પોલીસ પકડના ડરથી ભુગર્ભમાં ઉતરી ગયાં છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુરમાં મનરેગા યોજનામાં ૭૦ કરોડનું કૌંભાંડ બહાર આવતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે થોડા દિવસો પહેલા કેટલાંક કૌંભાંડકારી ચહેરાઓની અટકાયત કરી છે. પરંતુ આ ઝડપાયેલ કૌંભાંડકારીઓ માત્ર મોહરા હોવાનું કહેવાઈ રહ્યું છે. મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે. પોલીસ તંત્રની નિષ્પક્ષ અને તટસ્થ તપાસની આડે હાલ પણ અનેક પડકારો હોવાનું કહેવાઈ છે. આ પોલીસ પકડથી દુર રહેવા મંત્રી પુત્રો દ્વારા આગોતરા જામીન અરજી પણ કોર્ટમાં રજુ કરવામાં આવી છે. આવા સમયે મંત્રી પુત્રો સિવાય અન્ય મોટા આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયાં છે તો બીજી તરફ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા નોંધાવવામાં આવેલ પોલીસ ફરિયાદમાં કેટલાંક એજન્સીઓના આરોપીઓ તરીકે નામો જાહેર ન કરવામાં આવતાં પણ અનેક શંકાઓએ જન્મ લીધો છે. આવા એજન્સી કર્તાઓ ખરેખર હવે પોલીસ તપાસમાં સકંજામાં આવશે કે કેમ કે પછી ખુદ ફરીયાદી જ આરોપી બનશે ? તેવી ચર્ચાએ પણ ભારે જાેર પકડ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિના જિલ્લાના મનરેગા યોજનામાં આટલું મોટુ કૌંભાંડ થયું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ કૌંભાંડથી ખુદ જિલ્લા ગ્રામ વિકાસના નિયામક પણ શું અજાણ હશે કે કેમ કે પછી કોઈ રાજકીય દબાણને પગલે આ મામલો જેતે સમયે થાળે પડ્યો હશે વિગેરે જેવી અનેક ચર્ચાઓએ જિલ્લાભરમાં ચર્ચાઓ થવા માંડી છે. પરંતુ જે પણ હકીકત હશે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.