Vadodara

માંજલપુરમાં ભુવો પડતાં ત્રણ મહિલાઓ ખાબકી, સ્થાનિકોએ બચાવી

ભૂવામાં પડી ગયેલી મહિલાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે અચાનક મોટો ભુવો પડતાં શાકભાજી ખરીદી રહેલી ત્રણ મહિલાઓ તેમાં ખાબકી ગઈ હતી. સ્થાનિક લોકોની તાત્કાલિક મદદથી ત્રણેય મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી, જેમાં તેમને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ટાઉનશીપ-1, પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે મ્યુનિસિપલ કાઉન્સિલર ભારતીબેન ભદ્રેશ્વરાની ઓફિસ બહાર મોટો ભુવો પડ્યો હતો. અંદાજે 12 થી 20 ફૂટના આ ભુવામાં શાકભાજી ખરીદી રહી હતી તે વખતે બે થી ત્રણ મહિલાઓ અચાનક પડી ગઈ હતી.

ભુવો પડતા જ આસપાસના લોકોએ તાત્કાલિક દોડધામ કરી, બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેય મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી. ઘટનામાં ત્રણેય મહિલાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ મોટી જાનહાની થઈ નથી.

ઘટનાના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી અને સ્થાનિકોએ ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે, લોકો ભુવામાં પડેલી મહિલાઓને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો ઘટના સ્થળે ઉભા રહીને સ્થિતિ નિહાળી રહ્યા છે.
આ ઘટના વડોદરાની મ્યુનિસિપલ વ્યવસ્થાપન સામે પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિકોની ત્વરિત મદદથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં બચવા માટે તંત્રએ વધુ સતર્કતા દાખવવી જરૂરી છે.

Most Popular

To Top