દંતેશ્વર ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન નજીકના કાંસમાંથી ગંદકી, દુર્ગંધ અને મચ્છરથી ત્રસ્ત રહેણાંક વિસ્તારોને રાહત આપવાનો પ્રયાસ
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૧૭માં તરસાલી રીંગરોડ પાસે દંતેશ્વર ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન નજીકથી પસાર થતા ખુલ્લા રૂપારેલ કાંસને ઢાંકી દેવા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ. ૭.૩૫ કરોડનો વિકાસકામ હાથ ધરવાનો પ્રયાસ શરૂ થયો છે. આ કામગીરી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. રૂપારેલ કાંસ શહેરના પૂર્વ ઝોનમાંથી શરૂ થઇ દક્ષિણ ઝોનમાંથી પસાર થાય છે અને અંતે જામ્બુવા નદીમાં મળે છે. ખાસ કરીને દર્શનમ એન્ટીકા સોસાયટી અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતો ભાગ હજુ પણ ખુલ્લો છે, જ્યાંથી સતત દુર્ગંધ, મચ્છરો અને ગંદકીના કારણે લોકો ત્રસ્ત છે. વધુમાં ગાય-ભેંસ જેવી પશુઓ માટે પણ આ ખુલ્લો કાંસ જીવલેણ પુરવાર થતો હોવાના અનેક બનાવો સામે આવ્યા છે.
આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓ અને કોર્પોરેટરોની રજૂઆતો બાદ, ચોવીસે કલાક વહન થતો વરસાદી નદી જેમ ચાલતો આ કાંસ હવે પાકો અને ઢાંકી નાખવા માટે મહાનગર પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. 300 મીટરની લંબાઈ ધરાવતા વિભાગ માટે કુલ રૂ. ૭,૩૫,૮૬,૩૪૫ નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા અનુસાર સૌથી ઓછી દરે કામ કરનારી એજન્સી તરીકે મે. અગ્રવાલ કન્સટ્રક્શનને પસંદ કરવામાં આવી છે. આ કામગીરી માટેનું ફંડ “સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના” હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે, જયારે GSTનો ખર્ચ અલગથી ચૂકવાશે.