વાવાઝોડા બાદ પણ સફાઈનો અભાવ : તૂટેલા વૃક્ષો અને કચરાથી અડધું શહેર અસ્તવ્યસ્ત
શહેરમાં ગઈકાલે પડેલા તોફાની વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વિજળી ખોરવાઈ હતી, વૃક્ષો તૂટી પડ્યાં હતાં, અને રસ્તાઓ કચરાથી છલકાઇ ઉઠ્યાં હતાં. તો પણ આજરોજ મોડી સાંજ સુધી શહેરના ઘણા વિસ્તારોમાં તૂટી પડેલી વૃક્ષોની ડાળીઓ, પાંદડા અને હોર્ડિંગ્સ સહિતનો કચરો યથાવત રહ્યો. સોમવારે સવારથીજ વાદળીયું વાતાવરણ અને ઉકળાટ બાદ મોડી સાંજથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. વીજળીના કડાકા ભડાકા વચ્ચે ભારે વરસાદ પડતા વિજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે કલાકો પછી પુરવઠો પુનઃસ્થપિત થયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ પાણીની સમસ્યા અને સફાઈ અભાવ અંગે વડોદરા મહાનગર પાલિકાને (VMC) ઓનલાઈન ફરિયાદો પણ કરી હતી. તેમ છતાં ઘણા વિસ્તારોમાં સફાઈ કર્મીઓ હજુ સુધી પહોંચી શક્યા નથી.
વૃક્ષો અને ડાળીઓના તૂટવાના કારણે માર્ગો અવરોધિત થયા છે અને અકસ્માતની ભીતી વધતી જઈ રહી છે. નાગરિકોનું કહેવું છે કે VMCનો સ્ટાફ કાગળ પર જ સક્રિય છે, જમીની હકીકત એવું સૂચવે છે કે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય બન્યું છે. શહેરના રહેવાસીઓએ તંત્ર પાસેથી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે જેથી આવી સ્થિતિમાં લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. શહેરના અનેક વિસ્તારોમાં આ પરિસ્થિતિ યથાવત જોવા મળી અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

વોર્ડ નં. 17માં ડોન બોસ્કો સ્કૂલ પાસે ધરાશાયી વીજ થાંભલાથી જોખમ વધ્યું
વડોદરા શહેરના વોર્ડ નંબર 17 વિસ્તારમાં આવેલા ડોન બોસ્કો સ્કૂલ સામેની એક સોસાયટીમાં તાજેતરના વાવાઝોડા પછી વીજ થાંભલો ધરાશાયી થયો હતો. ઘટના બાદ મોડી સાંજ સુધી પાલિકા કે MGVCL દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં લગભગ 15થી વધુ વીજ થાંભલા અને કોર્પોરેશનના ઇલેક્ટ્રિક થાંભલા હાલત સારી નથી અને પૂરતા જર્જરીત છે. સ્થાનિક રહીશોએ જણાવ્યુ કે, છેલ્લા ઘણા સમયથી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજે સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. વીજ થાંભલાની જર્જરીત હાલતના કારણે કોઇ મોટો અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકોએ તાકીદે કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. વિદ્યાર્થીઓની અવરજવર રહેતા ડોન બોસ્કો સ્કૂલ નજીક વિજળીના થાંભલાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. સ્થાનિક તંત્ર દ્વારા તરત જ પરિણામકારક પગલા ભરવામાં ન આવે તો આવનારા સમયમાં આ પ્રકારની અવ્યવસ્થાથી ગંભીર જાનહાનિ સર્જાય તેવી દહેશત છે.

