નજીવા વરસાદે શહેરમાં અવ્યસ્થિત રોડ વ્યવસ્થાની હકીકતને ઉઘાડી પાડી છે. આવા જ દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, જ્યાં વાહનચાલકોને માર્ગ પર ખાડા અને પાણી ભરાવાના કારણે તકલીફો ભોગવવી પડી રહી છે. હજુ તો કમોસમી વરસાદમાં જ પાલિકાની પરીક્ષા લેવાઈ ગઈ છે. અલકાપુરી વિસ્તારમાં વિશ્રામગૃહની બાજુના રસ્તા પર એક કાર રસ્તાની ધાર પર ફસાઈ ગઈ છે. વાહનને બહાર કાઢવા માટે મશીનરી લાવવી પડશે, જે સામાન્ય રીતે રોડ પર થતી વિપરીત પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. શહેરમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી વરસાદનુ પાણી રસ્તાઓ પર ભરાઈ જાય છે, જેને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. અહીં માત્ર ટ્રાફિક સમસ્યા જ નહીં, પણ અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે. મહાનગર પાલિકાએ રસ્તાની યોગ્ય મરામત, ડ્રેનેજ સુવિધા અને વરસાદ પહેલા પુરતી તૈયારી કરવા છતાં આવા દ્રશ્યો સામે આવે છે, જે પ્રશાસનના દાવાઓ પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરે છે.