મોટા ભાગના વિસ્તારો કલાકો સુધી વીજળીથી વંચિત રહ્યા
કારેલીબાગ સબ ડિવિઝનમાં વીજ કર્મીએ ફરિયાદ માટેનો ફોન બાજુ પર મુકી દીધો,સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે સમગ્ર હકીકત સામે આવી

( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરામાં ગત મોડી સાંજ બાદ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદને પગલે ભારે મુશ્કેલી સર્જાઇ હતી. 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં અનેક વિસ્તારોમાં વિજળી કલાકો સુધી ગુલ રહી હતી. ત્યારે, કારેલીબાગના સ્થાનિકો દ્વારા સબ ડિવિઝન ઓફિસમાં ફોન કરવામાં આવતા સતત વ્યસ્ત આવ્યા કરતો હતો. બાદમાં કચેરીએ જઇને જોતા વિજ કંપનીના કર્મચારી દ્વારા ફોન બાજુ પર મુકી દેવામાં આવ્યો હતો. આ અંગે તેને સવાલ પુછતા તેણે ઉડાઉ જવાબ આપ્યો કે, અમે કેટલાને જવાબ આપીએ. બાદમાં લોકોએ તતડાવતા ફોનનું રીસીવર મુક્યું હતું. અને તેમાં તુરંત ફોન આવવાના શરૂ થઇ ગયા હતા.
સામાન્ય રીતે જ્યારે વિજળી ગુલ થાય ત્યારે ફરિયાદ અથવા માહિતી મેળવવાના વીજ કંપનીના નંબર પર સંપર્ક સરળતાથી થઇ શકતો નથી. પરંતુ વડોદરામાંતો તેનાથી વિપરીત વિજ કર્મીની આડોડાઈ સામે આવી છે. ગતરોજ વડોદરામાં ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી. વરસાદ ખાબક્યા બાદ, વિજળી ગુલ વચ્ચે ભારે બફારાની સ્થિતી સર્જાઇ હતી. તેમાં સૌ કોઇને ઉત્સુકતા હતી કે, વીજળી પરત ક્યારે આવશે. શહેરના વિજળી ગુલ પૈકી એક કારેલીબાગ વિસ્તારમાં વિજ સબ ડિવિઝન ઓફિસનો સતત સંપર્ક કરવામાં આવતા લાઇન વ્યસ્ત આવતી હતી. કલાકો સુધી વિજળી ગુલ રહેતા સ્થાનિકો વિજ કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં જઇને ફોનનું રીસીવર બાજુ પર મુકી દેવામાં આવ્યું હોવાનું જોતા જ તેમના પિત્તો ગયો હતો. વિજ કંપનીના કર્માચરી દ્વારા લોકોને જવાબ ના આપવા પડે તે માટે ફરિયાદ – ઇન્કવાયરી માટેનો ફોન જ બાજુ પર મુકી દેવામાં આવતા લાઇન સતત વ્યસ્ત જ આવતી રહેતી હતી. આ અંગે તેને પુછતા ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, અમે કેટલાને જવાબ આપીએ. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને આપત્તિ સમયે લોકોને સમયસર અને સાચી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. જેમાં વિજ કંપનીના કર્મચારીની ગંભીર બેદરકારી છતી થવા પામી છે.
