Charotar

આણંદમાં માહોલ પલ્ટાયો, ભારે વંટોળ સાથે વરસાદી માહોલ

પ્રતિનિધિ આણંદ તા 5

દિવસભર ગરમી બાદ સાંજના છ વાગ્યા બાદ જીલ્લાભરમાં ભારે ગાજવીજ , કરા સાથે કમોસમી વરસાદ, ધૂળની ડમરી ઉડતાં અંધારું છવાયું


આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ પાર થઈ ગયો હતો.ત્યારે સોમવારે સાંજે 6 વાગ્યા બાદ એકાએક જ ભારે ગાજવીજ સાથે વંટોળ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.


આણંદ શહેર સહિત જિલ્લાભરમાં સર્વત્ર ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતાં અંધારું છવાઈ ગયું હતું. ભારે પવનના જોરની સાથે સાથે આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા. વંટોળ સાથે જીલ્લાભરમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો. જીલ્લામાં કેટલાક ગામોમાં નાના મોટા કરા પણ પડયા હતા.
ભારે પવનના સુસવાટાના કારણે કેટલાય વિસ્તારોમાં મકાનો ઉપરનાં પતરાં પણ દૂર દૂર સુધી ઉડી ગયા હતા. ખુબ મોટા પ્રમાણમાં નાના મોટા ઝાડ પણ ભારે પવનના કારણે ધરમૂળથી ધરાશાયી થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વિજ થાંભલાઓને અને વિજ લાઈનોને નુકસાન થતાં અંધારપટ છવાઇ ગયો હતો. જોકે આ બદલાયેલા માહોલમાં કોઈ જાનહાનિ થઇ હોવાના અહેવાલ મળ્યા નથી. વિજ સેવા ખોરવાતા જીલ્લાભરમાં વિજ સેવા આધારિત તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.

Most Popular

To Top