યુવકને માથામાં ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી માથામાં મારતાં પંદર ટાંકા આવ્યા જ્યારે અન્ય એકે લોખંડના ટૂકડાથી જ્યારે બીજા બે એ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના આજવારોડ ખાતે રહેતા રિક્ષા ચાલક યુવકની માનીતી બહેનને કમલાનગર તળાવ પાસે એક ઇસમ દ્વારા મોબાઈલ પર વાત કરવાનું દબાણ કરતો હોય તેને ઠપકો આપનાર ભાઇને તે ઇસમે સમાધાન કરવાના બહાને રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ખટ્ટીઇમલી હોટલ પાસે બોલાવી અપશબ્દો બોલી ચાર યુવકોએ ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં એક ઇસમે માથામાં ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી ઘા માર્યો હતો બીજા એક ઇસમે લોખંડના ટૂકડાથી માર માર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત યુવકને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડતાં તેને માથામાં પંદરેક ટાંકા આવ્યા છે જેની સારવાર ચાલુ છે ત્યારે સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવારોડ ખાતે આવેલા દત્ત નગરમાં રહેતા જયેશભાઇ ઉર્ફે સોનુ જીગ્નેશભાઇ ઠાકોર પોતાના દાદી સાથે રહે છે અને ઓટો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.ગત તા. 04 મે 2025 ના રોજ જયેશભાઇ ઉર્ફે સોનુ રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોતાની મોપેડ પર કમલાનગર તળાવ તરફ જતો હતો તે દરમિયાન તેની માનીતી બહેન કે જે પોતાની માતા સાથે રહે છે તેણે બૂમો પાડી બોલાવતા જયેશભાઇ એચડીએફસી બેન્ક સામે કમલાનગર તળાવ કિનારે જઈને જોતાં તેમની માનીતી બહેન જાનવીબેન પાસે કમલ નામનો ઇસમ ઉભો હતો.જાનવીબેને જયેશભાઇ ને જણાવ્યું હતું કે, કમલ તેણીની સાથે ફોન પર વાત કરવા દબાણ કરી ગળું પકડી હેરાન કરે છે જેથી જયેશભાઇ એ કમલને પોતાની બહેનને હેરાન ન કરવા ઠપકો આપ્યો હતો જેથી કમલેશે જયેશભાઇ ને “તું મને ઓળખતો નથી” તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ રાત્રે સાડા બારેક વાગ્યે કમલે જયેશને બોલાચાલી બાબતે સમાધાન માટે આજવારોડ ખાતે આવેલા ખટ્ટીઇમલી હોટલ પાસે બોલાવ્યો હતો જેથી જયેશ ત્યાં ગયો હતો જ્યાં કમલ તથા અવિનાશે જયેશને અપશબ્દો બોલી છૂટ્ટા હાથે મારવાનું ચાલુ કર્યું હતું થોડીવારમાં ત્યાં કમલના બીજા મિત્રો જીગ્નેશ અને તુષારે પણ આવી મારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન અવિનાશે પોતાના કમરના ભાગે છૂપાવેલ ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી જયેશને માથામાં મારી દીધું હતું તથા કમલે લોખંડના ટુકડા થી માથામાં જમણા ભાગે મારી ઇજા પહોંચાડી હતી જ્યારે અન્ય ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હતો સાથે જ કમલે જયેશને “જો તું હવે ફરી મળીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી આ દરમિયાન જયેશના મામા આવી જતાં તમામ ઇસમો ભાગી ગયા હતાં અને ઇજાગ્રસ્ત ને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં જયેશને માથામાં પંદરેક ટાંકા આવ્યા હોવાનું અને હાલ સારવાર હેઠળ હોય સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં કમલ, અવિનાશ, જીગ્નેશ અને તુષાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.