Vadodara

રૂ .37 કરોડના ખર્ચે બનેલો તરસાલી-ધન્યાવી-કાયાવરોહણ રોડ દોઢ વર્ષમાં જ ખખડી ગયો


કોન્ટ્રાક્ટર અને R & B વિભાગ સામે ગંભીર આક્ષેપ

વડોદરા: વડોદરા જિલ્લાનો તરસાલી-ધન્યાવી-
કાયાવરોહણ રોડ, જે 2022માં લગભગ 37 કરોડના ખર્ચે સ્પાઈરલ કન્સ્ટ્રક્શન કંપની (કંપની ના માલિક જયેશભાઈ) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જે માત્ર દોઢ વર્ષમાં જ ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. આ રોડ પર રોજબરોજ પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો હવે ખાડા, પોપડા અને તૂટી ગયેલા રસ્તા કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
રોડ બનતા ગ્રામજનોમાં ખુશી ફેલાઈ હતી, હવે ફરી મુશ્કેલી નહિ પડે તેવી આશા હતી. આ રોડ બનતા પંદર જેટલા ગામોના લોકોને રાહત મળી હતી. લોકો ખુશ હતા કે હવે તેમને સારા રસ્તે મુસાફરી કરવાની સુવિધા મળશે. પરંતુ માત્ર દોઢ વર્ષમાં જ રોડની હાલત બિસ્માર થઈ જતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને રોજ અકસ્માતનો ભય રહે છે અને વરસાદી મોસમમાં તો સ્થિતિ વધુ જ કથિન બની જશે એવો પણ ભય સતાવી રહ્યો છે.
આ રોડનું કામ સ્પાઈરલ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું હતું અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓના સુપરવિઝન હેઠળ કામ થયું હતું. છતાં, રોડની હાલત દોઢ વર્ષમાં જ ખરાબ થઈ જતાં અનેક સવાલો ઉભા થયા છે.
૧)શું કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું?
૨)R & B વિભાગના અધિકારીઓએ યોગ્ય રીતે મટીરીયલ ચકાસ્યું નહોતું?
૩)શું કામ દરમિયાન યોગ્ય નિરીક્ષણ થયું નહોતું?
૪)ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત તો નથી ને?

ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, વારંવાર ફરિયાદ છતાં કોન્ટ્રાક્ટર કંપની માત્ર લીપાપોથી કરીને કામ ચલાવે છે. ખાડા ભરવામાં આવે છે, પોપડા ચોંટાડવામાં આવે છે, પરંતુ મૂળ સમસ્યા યથાવત રહે છે. ચારથી પાંચ વર્ષની ગેરંટી હોવા છતાં, કંપની દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી.

સ્થાનિકોમાં રોષ અને સરકાર સામે પ્રશ્નો
સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રોડ બનાવવામાં આવે છે, પણ યોગ્ય દેખરેખ અને ગુણવત્તા ન હોવાને કારણે જનતાને મુશ્કેલી પડે છે.
સરકારના પ્રતિસાદની રાહ
હવે સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. શું ખરેખર કડક તપાસ થશે? જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં લેવાશે? કે ફરી એકવાર માત્ર કાગળ પર જ કાર્યવાહી થશે?

આ સમગ્ર મામલે હવે સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે અને લોકો સરકાર પાસેથી તાત્કાલિક અને કડક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.
આ સમગ્ર મામલે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ મુદ્દે તાત્કાલિક ખાતાકીય તપાસની માંગ કરી છે. ધારાસભ્યએ જણાવ્યું છે કે, જો જરૂરી જણાય તો સ્પાઈરલ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top