Vadodara

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રન, NH 48 પર મોડી રાત્રે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બાઇક ચાલકનું મોત

લગ્ન પ્રસંગમાંથી પરત આવતા લાલજીપુરાના યુવકને કાળ ભરખી ગયો

વડોદરા તા.1

વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડોદરા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે 48 પર વારંવાર ગમખ્વાર અકસ્માતો થતા હોય છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે ગોલ્ડન ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહન ચાલક લગ્નમાંથી પરત ફરતા લાલજી પુરાના બાઇક ચાલક યુવકને અડફેટે લીધો હતો. જેમાં રોડ પર પટકાયેલા યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોય પોલીસે તેની શોધખોળ આરંભી છે.

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે વડોદરા શહેરના ગોલ્ડન બ્રિજ પાસે 30 એપ્રિલના રોજ મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એવી વિગત છે કે વડોદરા જિલ્લાના સોખડા લાલજીપુરા ખાતે રહેતો બાઇક ચાલક મનોજ પ્રભુદાસ પરમાર (ઉ.વ. 39)ને લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે ગોલ્ડન ચોકડી પાસે નેશનલ હાઈવે 48 પર અજાણ્યા વાહન ચાલકે યુવકની બાઇકને અડફેટે લીધી હતી. જેમાં યુવક ધડાકાભેર રોડ પર પટકાયો હતો. એમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે આ યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા અને 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી આવી હતી અને હાજર તબીબે યુવકને ચેક કરતા મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્માત કર્યા બાદ અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. મૃતક યુવકના કાકા નટવરસિંહ પરસોતમદાસ પરમાર દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે યુવકના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક મંજુસર GIDCમાં નોકરી કરતો હતો. તેના પિતા નિવૃત્ત જીવન ગુજારે છે. વડોદરા શહેર પાસેથી પસાર થતા લોકો માટે નેશનલ હાઈવે જીવલેણ બન્યો છે. એપ્રિલ મહિના દરમિયાન હાઈવે પર સતત અકસ્માતો બન્યા છે અને જેમાં 11 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top