વડોદરા: વડોદરામાં આધારકાર્ડ માટે નોંધાવવા આવેલા એક યુવક દ્વારા નકલી જન્મ દાખલો રજૂ કરાતા ખળભળાટ મચી ગયો છે. વિગત મુજબ, યુપીના મૂળ રહેવાસી અને હાલ વડોદરામાં શાકભાજીનો વ્યવસાય કરતા અરજદારે 600 રૂપિયામાં નકલી જન્મ દાખલો તૈયાર કરાવ્યો હતો, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રજૂ થયો હતો.

આધાર અધિકારી શમિક જોશી અને પાલિકાના સેશન્સ ઓફિસરે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકાસ્પદ વિગતો જણાતા પોલીસને જાણ કરવામાં આવી. વધુ તપાસ દરમિયાન ખુલાસો થયો કે અરજદારનું મૂળ જન્મસ્થળ ઉત્તર પ્રદેશમાં છે, છતાં પણ વડોદરામાં જન્મ થયો હોવાનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક પગલા લઈને અરજદાર અને તેની માતાની ધરપકડ કરી છે. બંનેની પુછપરછ ચાલી રહી છે અને નકલી દાખલા પાછળ કાર્યરત કોણ છે તે પણ પર્દાફાશ થવાની શક્યતા છે.