વડોદરા : જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના સભ્યોની આગેવાનીમાં મહેસૂલી કર્મચારીઓ પોતાના પડતર માંગણીઓ સંદર્ભે માસ સીએલ પર ઉતર્યા છે.

રાજ્યના જિલ્લા મહેસૂલી કર્મચારીઓ પોતાની કુલ 9 જેટલી પડતર માંગણીઓ જેમાં મુખ્યત્વે ચાર માંગણીઓ, જેમાં વર્ષ -2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે,મામલતદારના પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીના પડતર રજૂઆતોનો નિકાલ લાવવા તેઓને પરત પોતાના મહેકમ પર મૂકવા તેમજ ફેરબદલીઓમા પારદર્શિતા લાવવા,કલેક્ટરની એન ઓ સી મેળવવાની પ્રથા બંધ કરવામાં આવે વિગેરે ની માંગણીઓ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. જેમાં ગત તા. 09એપ્રિલના રોજ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા.22 એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમ છતાં સરકારે માંગણીઓ સંદર્ભે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા.

જેના કારણે 13 જનસેવા કેન્દ્રો, મામલતદાર, પ્રાંત કચેરી, કલેકટર કચેરી, પૂરવઠા વિભાગ આજે ખાલી ભાસી રહ્યા હતા.મહેસૂલી કર્મચારીઓ દ્વારા જૂની કોઠી કચેરી ખાતે ડીએલઆર ઓફિસ ખાતે જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ ચિરાગ રાણાની આગેવાનીમાં એકત્રિત થઈ દેખાવો કર્યા હતા સાથે જ આગામી દિવસોમાં તેઓના પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.