Vadodara

આવતીકાલે આવશે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખપદના સસ્પેન્સનો અંત

સતીશ પટેલ સામે વિરોધ પછી નવા ચહેરાની શક્યતા

આવતી કાલે સાંજે વંદે કમલમ ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અમિત ચૌધરીની હાજરીમાં નવા પ્રમુખના નામની જાહેરાત થશે

છેલ્લા ઘણા સમયથી જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ચાલતા સસ્પેન્સ પરથી કાલે સાંજે પડદો ખસી જશે. આવતીકાલે સાંજે 4:30 વાગ્યે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે પ્રદેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ચૂંટણી નિરીક્ષક અમિત ચૌધરીની હાજરીમાં નવા જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. વર્તમાન જિલ્લા પ્રમુખ સતીશ પટેલે ફરી દાવેદારી નોંધાવી છે, જોકે તેમના વિરોધમાં પણ પક્ષની અંદર ઉંચા સ્વર ઊઠ્યા છે. તાજેતરમાં એક પૂર્વ મહિલા પ્રભારીએ સતીશ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે એક વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો, જેના કારણે પાર્ટીના આંતરિક વલણમાં ગરમાવો જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થયા પછી જિલ્લાકક્ષાએ પક્ષમાં સમીકરણો બદલી ગયાનું માનવામાં આવી રહ્યું છે.

જિલ્લા પ્રમુખપદ માટે 50થી વધુ દાવેદારોના નામ ચર્ચામાં છે. દરેક દાવેદાર પોતાના પ્રભુત્વ અને સંગઠન માટેની કામગીરીને આધારે દાવેદારી જમાવી રહ્યા છે. જોકે છેલ્લે નિર્ણય સંઘ અને પ્રદેશ નેતૃત્વની સૂચનાથી થશે તેવી સ્પષ્ટતા થઈ ગઈ છે. ભાજપે અગાઉ વડોદરા શહેર પ્રમુખ તરીકે સંઘ સુચિત ડૉ. જયપ્રકાશ સોનીની અચાનક પસંદગી કરી સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા હતા. એ અનુભવોને ધ્યાને રાખતાં હવે જિલ્લા પ્રમુખપદે પણ નવો ચહેરો જોવા મળે તેવી શક્યતાઓ ખીલતી દેખાઈ રહી છે. જો કે, સતીશ પટેલે જ મક્કમ પકડ જાળવી હશે તો તેમનું પુનરાવર્તન પણ નિષ્કર્ષ બની શકે છે. ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ અને સંઘનો વટ હમેશા જિલ્લા અને શહેર કક્ષાના પ્રમુખોની પસંદગીમાં નિર્ણાયક રહ્યો છે. એટલે આવતીકાલે સાંજે જે નામ જાહેર થશે તે માત્ર સ્થાનિક સમીકરણો નહીં, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે થયેલા મંથનનું પરિણામ હોવાનું ગણાશે. અત્યારે સમગ્ર જિલ્લાના કાર્યકરો, દાવેદારો અને પદાધિકારીઓની નજર વંદે કમલમ તરફ મંડાયેલી છે. પાર્ટી કાર્યાલયના મંડપે કાલે સાંજ પછી ઉજાસ છલકાવશે કે અસંતોષના સુર ઉદ્ભવશે, તેનું સમીક્ષાત્મક ચિત્ર પણ આવતીકાલે સ્પષ્ટ થવાનું છે.

Most Popular

To Top