એરેટર પ્લાન્ટ બંધ હોવાથી માછલીઓના મોત થયા
આ પહેલા પણ ઢગલા બંધ માછલીઓના મોત થયા હતા

વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને શાન સમાન ગણાતા સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થતાં તેના કોથળા ભરી ભરીને સફાઈ કર્મીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. માછલીઓના મોતના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ છે. તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવાઇ છે. માછલીઓના મોતથી જીવ દયા પ્રેમીઓ તંત્ર સામે રોષે ભરાયા છે.


આ પહેલા પણ ઓક્સીજન પ્લાન્ટ બંધ હોવાથી અસંખ્ય માછલીઓ મૃત પામી હતી. ફરી આ દ્રશ્યો જોવા મળ્યા છે.તળાવના રિનોવેશન દરમ્યાન પણ મોટી અસંખ્યામાં માછલીઓ મૃત મળી આવી હતી. ફરી પાલિકાના ભોગે અનેક માછલીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ તળાવમાં એરેટર સિસ્ટમ બંધ હોવાથી માછલીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. એરેટર પ્લાન્ટ બંધ હોવાથી ઓક્સિજન ન મળવાથી અસંખ્ય માછલીઓ મૃત પામી, અસંખ્ય માછલીઓના મોતથી આસપામા અસહ્ય દુર્ગંધ આવી રહી છે. અહીંથી પસાર થતાં રાહદારીઓને આ દુર્ગધનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે મેંદાની ચીજ વસ્તુઓ પણ ઘણીવાર જીવદયા પ્રેમીઓ માછલીઓને ખવડાવતા હોવાને કારણે પણ માછલીઓ મરી ગઈ હોવાનું માનવામાં આવે છે, જે અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવતા મરી ગયેલી માછલીઓ કોથળા ભરીને બહાર કાઢવામાં આવી હતી.
શહેરના દરેક તળાવમાં એરેટરની નવી સિસ્ટમ ઉમેરવાની જરૂર છે. એરેટર સિસ્ટમ જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી પાણી જન્ય જીવના મોત થઇ શકે છે. પાલિકા વહેલીમાં વહેલી તકે આ નવા પ્લાન્ટ નાખે તે ખૂબ જરૂરી છે. કારણ કે જેટલો સમય વધારે લાગશે તેટલા જળચર જીવો વધુ જાય એવી શક્યતાઓ વધી રહી છે.

