મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 મે વડોદરા આવશે, વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરશે
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને વિકાસના કામોનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 મે વડોદરા આવી રહ્યા છે. તેઓ શહેરમાં રાત્રિ રોકાણ કર્યા બાદ 2 મેના રોજ સવારે 9 કલાકે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટના કાર્યસ્થળે મુલાકાત લેશે અને કામગીરીનું અવલોકન કરશે. ગત વર્ષે પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીમાં ફરી કોઈ મોટી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે તાત્કાલિક રૂ. 1200 કરોડ ફાળવ્યા હતા. હાલ નદીના 24 કિલોમીટર પટમાં રીસેક્શનીંગ, ડ્રેજિંગ અને મોડિફિકેશનની કામગીરી પ્રગતિશીલ છે. કુલ 15 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાં આજદિન સુધી 834230 ક્યુબિક મીટર માટી દૂર કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં અને શહેર બહાર વિવિધ કાંસોની સફાઈની કામગીરી પણ હાલ પ્રગતિ પર છે.
મહત્વનું છે કે, તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રી તથા વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યપ્રગતિ અંગે સંતુષ્ટિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વડોદરા દેશનું પહેલું શહેર બનશે, જ્યાં 100 દિવસમાં આટલું વિશાળ કાર્ય થશે.” વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામથી પ્રભાવિત થઈ તેમણે ટીમ વડોદરાને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ જોરશોરથી હાથ ધરાઈ છે. સતત બેઠકો યોજાઈ રહી છે અને મુલાકાત દરમિયાન પ્રસ્તુત કરવાની માહિતીનું સચોટ આયોજન થઈ રહ્યું છે.