Vadodara

ચોખંડી શાક માર્કેટ પાસે ગાયે મહાનગરપાલિકાનું બોર્ડ ના વાચ્યું ને કાસમાં ખાબકી…!


પાલિકાની અધુરી કામગીરી દરમ્યાન વરસાદી કાંસમાં ગાય ખાબકી

ફાયર બ્રિગેડના જવાનોએ ગાયને રેસક્યું કરી બહાર કાઢી

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી વરસાદી કાસની કામગીરીમાં ખુલ્લી કાસમાં ગાય ખાબકવાની ઘટના બની છે, જેમાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ સ્થિતિમાં જો કોઈ બાળક કે વ્યક્તિ ખાબકયુ હોત તો ગંભીર નુકસાન થવાની શક્યતા હતી, જે પાલિકા તંત્રની લાપરવાહી દર્શાવે છે.


આ પ્રકારની ગંભીર લાપરવાહી સામે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કડક પગલાં લેવામાં આવવા જોઈએ એવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે, કારણ કે આ માત્ર પશુનું જ નહીં, માનવજીવનનો પણ પ્રશ્ન છે. અધિકારીઓની જવાબદારી છે કે ખુલ્લી કાસ અને ખતરનાક જગ્યાઓને તાત્કાલિક બંધ કરાવવી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવી.



વડોદરા મહાનગરપાલિકા અને તેની કામગીરી અંગે નગરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, અનેક ઠેકાણે પ્રિ મોન્સુનનું કામકાજ ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે વરસાદી કાસ, ડ્રેનેજનું કામ તથા ચેમ્બરનું સાફ સફાઈની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના મધ્યમાં વાડી વિસ્તારમાં ચોખંડી શાક માર્કેટ પાસે પાલિકા તંત્ર દ્વારા કાસની સફાઈનું કામ ચાલી રહ્યું છે. એમાં તંત્ર દ્વારા કામ અધૂરું મૂકી કાસ ખૂલી રાખી દેવામાં આવી હતી. ત્યારે રાત્રિ ના સમયે એક ગાય અચાનક કાસમાં ખાબકી હતી. ત્યારે આસપાસના લોકોએ ગાયને બહાર કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો. લોકો ગાય બહાર કાઢવામાં અસફળ થતાં ફાયર વિભાગમાં જાણ કરી હતી. ત્યાર બાદ ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યું કરી બહાર કાઢી હતી. લોકોનું કહેવુ છે કે પાલિકા તંત્રની આવી લાપરવાહી સામે તાત્કાલિક દુરસ્તી જરૂરી છે.
આ અંગે રોષે ભરાયેલા લોકો એ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશ્નરે સંબંધિત અધિકારીઓ પર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ.

Most Popular

To Top