ઘુસણખોરી કરી શહેરમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડવા પોલીસ તંત્ર દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
15 લોકો પાસેથી શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવતા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ
પ્રતિનિધિ વડોદરા તા.26
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ઘણા ઘૂસણખોરી કરીને ગુજરાત રાજ્યના વિવિધ શહેરમાં પ્રવેશ કરી ગેરકાયદે રહેવા લાગ્યા હતા. જેથી ગૃહમંત્રીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં બાંગ્લાદેશ સહિતના અન્ય દેશના શંકાસ્પદ લોકો રહેતા હોવાની આશંકાએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં પોલીસે 500 જેટલા શંકાસ્પદ લોકોને ઉપાડી લાવી તેમના ડોક્યુમેનટ્સ સહિતના પુરાવાની ચકાસણી કરતા 5 લોકો બાંગ્લદેશી મળી આવ્યાં હતા. જ્યારે 15 શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું તેની ઉંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે દેશના ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા. દરમિયાન તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા પહેલાગામ ખાતે હુમલો કરાયો હતો. જેના પગલે ગૃહમંત્રી દ્વારા સમગ્ર દેશમાં પાકીસ્તાનીઓ તથા બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી વસવાટ કરતા હોય તેમને શોધી નાખી પરત તેમના દેશમાં મોકલી આપવાના આદેશ જારી કર્યા હતા. જેને લઇને સમગ્ર ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. આજે 26 એપ્રિલના રોજ વડોદરાનું પોલીસ તંત્ર એલર્ટ થઇને અલગ અલગ ઝોન વિસ્તારોમાં ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશન તથા એજન્સીઓ પીઆઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ કાફલો એક્શનમાં આવી ગયો હતો અને છુપી રીતે ઘુસણખોરી કરીને વસવાટ કરતા અન્ય દેશના નાગરિકોને શોધવા માટેનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી 500 જેટલા મહિલા તથા પુરુષો સહિતના શંકાસ્પદ લોકોને પોલીસ તેમના ઘરમાંથી ઉપાડી લાવી હતી અને તેમના ડોક્યુમેન્ટસના વેરીફાય કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. ત્યારે પાંચ લોકો પાસેથી બાંગ્લાદેશના લીગલ ડોક્યુમેન્ટ મળી આવતા પાકા બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું હતું. ઉપરાંત 15 લોકો પાસેથી કેટલાક પુરાવા શંકાસ્પદ મળી આવતા તેમની સઘન પૂછપરછ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે પોલીસ એક્શનમાં આવી હોવાનું માલુમ પડતા બાંગ્લાદેશી ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પાંચ બાંગ્લાદેશીઓને પરત રવાના કરી દેવાશે
વડોદરા પોલીસ દ્વારા ચાર ઝોનમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંભવિત બાંગ્લાદેશી રહેતા હોવાની માહિતીના આધારે વિવિધ વિસ્તોરમાંથી 500 લોકોને શંકાસ્પદ તરીકે લવાયા હતા. આ લોકો વિવિધ ફિલ્ડમાં નોકરી કરે છે. ત્યારે આ લોકોની ચકાસણી કરતા પાંચ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાનું ઓરિજિનલ કાર્ડ મળ્યું છે. જ્યારે 15 જેટલા લોકોના ડોક્યમેન્ટસ સસ્પેક્ટે છે તેમનું ડિટેઇલ ઇન્વેસ્ટિગેશ કરાશે. આ અભિયાન પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં ચાલુ રહેશે. પાંચ બાંગ્લાદેશીઓને પરત રવાના કરાશે: – નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર, વડોદરા
ક્યારથી વડોદરામાં રહે તથા શું વ્યવસાય ધંધો કરો છે તેની પૂછપરછ
વડોદરા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની પાંચ, પીસીબી સ્થાનિક પોલીસ સહિતના વિવિધ ટીમો દ્વારા શનિવારના રોજ બપોરથી કાર્યવાહી શરૂ કરાઇ હતી અને શંકાસ્પદ જણાયેલા લોકોને ઘરમાંથી ઉપાડી જતા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. શંકાસ્પદ લોકો ક્યારથી વડોદરામાં રહે છે, શુ વ્યવસાય ધંધો કરે છે. ઉપરાંત કેટલાક લોકો તેમના નામ બદલી પણ રહેતા હોય છે. જેથી તેમનું સાચુ નામ તથા આધાર કાર્ડ,પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટસની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.



ગ્રામ્ય વિસ્તારોમાં પણ જિલ્લા પોલીસ દ્વારા સર્ચ કરાયું
આતંકી હુમલા બાદ વડોદરા જિલ્લા પોલીસનું તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રેન્જ આઇજીના માર્ગદર્શન મુજબ એસપી, ડીવાયેએસપી સહિતના અધિકારીઓ સ્થાનિક પોલીસ, એલસીબી સહિતની વિવિધ ટીમો દ્વારા સર્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા શંકાસ્પદ લોકોને વેરીફાય કરવામાં આવી રહ્યા છે.

