શિનોર: વડોદરા એસ ટી વિભાગમાં સમાવિષ્ટ ડભોઈ ડેપો દ્વારા ડભોઇ ડેપોથી રાત્રે 7-15 કલાકે ઉપડતી ડભોઇ-કુકસ વાયા સાધલીની એક જ નાઇટ બસ વર્ષોથી ચાલે છે. પરંતુ ડભોઇ ડેપોમાં ડ્રાઇવર-કંડકટર અને બસ ઉપલબ્ધ હોવા છતાં પણ વહીવટકર્તાઓ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઇને આ બસને બીજા રૂટ પર મોકલી દેવાય છે. અથવા કુકસ નાઇટ બસ બંધ કરી દેવાય છે. તેમ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે મુસાફરો તથા વિદ્યાર્થીઓને ખુબ જ તકલીફ પડતી હોય છે. જેથી તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઇ ડેપો દ્વારા જે ગામમાં બે-ત્રણ રાત્રિ બસો રહે છે તેવી બસો ચાલુ રખાય છે. જ્યારે સાધલી રૂટ પર આ એક જ બસ વર્ષો જૂનો રૂટ ચાલે છે તે બંધ કરી દેવાય છે. આ બસ વહેલી સવારે કુકસથી ડાકોર જાય છે. આવક પણ સારી આવે છે. ઓછી આવકની બસો ચાલુ રખાય છે.
રાત્રે રાજપીપળા- ચાણોદ- શિનોર- મોટા ફોફળિયા બાજુ આવતા મુસાફરો સેગવા ચોકડી પર રાહ જોઇને બેસી રહેતા હોય છે. આ બાબતે કુકસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શિતલબેન પટેલ તથા કુકસ નાયાકાકા મહારાજ ના મંદિર ટ્રસ્ટ દ્વારા ડભોઈ ડેપો મેનેજરને લેખિતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બસ બંધ કરી દેવાય છે. શિનોર તાલુકાના કુકસ ગામે નાયાકાકા મહારાજનું મંદિર આવેલું છે જ્યાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભકતો આવતા જતા હોય છે. ત્યારે બસના અભાવે ભકતો અને મુસાફરોને ખૂબ તકલીફ પડે છે. તેવી જ રીતે સાંજે 5-00 કલાકની બસ પણ સાધલી પાછી લઈ જવ મા આવે છે. કુકસ લાવવામા આવતી નથી. જેથી ડભોઇ- કુકસ વાયા સાધલીની રાત્રિ બસ નિયમિત શરૂ કરાય માટે આ વિસ્તારના ધારાસભ્ય તથા સંસદ સભ્ય આ બાબતે અંગત રસ લઈ ને ડભોઈ-કુકસ વાયા સાધલીની નાઈટ બસ નિયમિત સંચાલન કરાવે એવી સમગ્ર પંથકના મુસાફરોની માગ છે..