બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જે નિર્દોષ ભારતીયો શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિરૂપે બોડેલીના હિંદુ તથા મુસ્લિમ આગેવાનો દ્વારા બોડેલી બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. જેને લઇ સમગ્ર બોડેલી નગર જડબેસલાક બંધ જોવા મળ્યું હતું.

બંધના આહવાનને બોડેલી નગરના દેશપ્રેમી વેપારીઓ દ્વારા સમર્થન આપી સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. બોડેલી નગરના અલીપુરા ઢોકલિયા, ચાચક,એસટી ડેપો સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા અને આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી હતી.

સમગ્ર દેશભરમાં જ્યારે ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ, મૌન રેલી,તથા આતંકવાદીઓના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે બોડેલીના લોકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાનને આ મુદ્દા પર કરારો જવાબ આપવાની જરૂર છે તેને નેસ્તનાબૂદ કરવાની જરૂર છે.