વડોદરા રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો સર્જાયા
વડોદરા અને ગુજરાત હેમખેમ પરત આવતા યાત્રીઓ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ શ્રીનગરમાં વડોદરાના 23 પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. તેમને પરત લાવવા માટે સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના ફળસ્વરૂપે આજે તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા અને પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.


કાશ્મીરમાં ફસાયેલાં લોકો વડોદરા પરત ફર્યા હતા. જેમાં સુરત અને અંકલેશ્વરના યાત્રીઓ પણ પરત ફર્યા છે. ત્યારે, વડોદરા રેલવે સ્ટેશન પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. પરત ફરેલા યાત્રિકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે યાત્રીઓની ટિકિટ નો પણ ખર્ચ ઉઠાવ્યો હતો. દર 10 મિનિટે તેમના ખબર અંતર પૂછવામાં આવતા હતા. વડોદરા અને ગુજરાત હેમખેમ પરત આવતા યાત્રીઓ અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. રેલ્વે મારફતે આવી પહોંચેલા યાત્રીઓએ જણાવ્યું હતું કે, અમને કોઇ તકલીફ નથી પડી. અમારે પહલગામ જવાનું હતું. પરંતુ અમે માંડી વાળ્યું હતું. આતંકવાદીઓની પ્રવાસીઓ પર જ નજર છે. કાશ્મીર અને આર્મી વાળા સારા છે. સરકારની એટલી ચૂંક કે પ્રવાસી હોય ત્યાં સિક્યોરીટી આપવી જોઇએ, તેવી અમારી માંગ છે. જ્યાં બંદોબસ્ત ના હોય ત્યાં પ્રવાસીઓને ના મોકલવા જોઇએ. અમે શ્રીનગરમાં હતા. અમે શ્રીનગરથી જમ્મુ રૂ. 1200 નું ભાડુ ખર્ચીને આવ્યા હતા. મહિલા પર્યટકે જણાવ્યું કે, વડોદરા અમે સુરક્ષિત પહોંચી ગયા છીએ. ત્યાંના લોકોએ અમને જમવા, આવવા-જવાની બાબતે ઘણો સપોર્ટ કર્યો હતો. અમે એક વખત રાત્રે 10 વાગ્યે અટકી પડ્યા હતા, ત્યારે સ્થાનિકો અમને તેમની કારમાં છોડી ગયા હતા. અને અમને કહ્યું કે, તમે અમારા ઘરે પણ ચાલો, અમારે પણ માતા-બહેન અને પરિવાર છે. તે લોકો પણ ઘટનાથી ઘણા દુખી હતા. તેઓ કહેતા કે, તમે હવે અમારા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આતંકી હુમલાની ઘટના બાદ અમે ડરી ગયા હતા. ત્યાં કરફ્યુ લાગી ગયા હતા. અમે અમારી હોટલમાં સુરક્ષિત હતા. અમે રૂ. 25 હજાર ખર્ચીને જમ્મુ આવ્યા હતા. ત્યાંના લોકો ખુબ સારા છે, અમને ઘણો સપોર્ટ કર્યો હતો. અમને જમવા અને રહેવા માટે તેઓ બોલાવતા હતા. અમારા સંતાનો ચિંતા કરતા હતા. હવે ઘરે આવીને ઘણી રાહત અનુભવી રહ્યા છે.

ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમારએ જણાવ્યું હતું કે, પહલગાવમાં આતંકવાદી હુમલા બાદ શ્રીનગર જમ્મુમાં ફસાયેલા 20 પરિવારો હેમખેમ પરત વડોદરા આવી ગયા છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીના પ્રયત્નોથી આ પરિવારો સુરક્ષિત વડોદરા પહોંચે તે માટે બનતી તમામ મદદ કરી હતી. ફસાયેલા પરિવારોમાં મોટેભાગે વાઘોડિયા રોડ વિસ્તારના હોય વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે આ પરિવારોને બનતી મદદ મળે તે માટે પ્રયત્નો કર્યા હતા. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ,મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ આભાર. આ પરિવારો વડોદરા પરત ફરે તે માટે મદદ કરી હતી. આજે તમામ પરિવારો વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોચ્યા હતા તેમણે સાંસદ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.