વિના વિવાદ સ્થાયી સમિતિની બેઠકમાં કરોડોના કામને મંજૂરી અપાઈ
પ્રથમ વાર બેઠકમાં હાજર રહેલા કમિશનર અરુણ બાબુએ વ્યક્ત કર્યો સફાઈ અને રમતગમત અંગે વિઝન
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૨૫ એપ્રિલે યોજાયેલ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ૧૦ કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે તમામ કામોને સ્થાયી દ્વારા મંજૂર કરી દેવાઈ છે. આમાંથી બે કામો એવા પણ હતા જે અગાઉ મુલત્વી રાખવામાં આવ્યા હતા તેને પણ મંજૂર કરી દેવાયા છે. મહત્વનું છે કે, અગ્નિશમન અને તાત્કાલિક સેવાના BRONTO SKYLIFT વાહનની મરામત બાબતની અગાઉ મુલત્વી દરખાસ્ત પણ ફરી રજૂ કરવામાં આવી હતી જેને પણ સ્થાયી દ્વારા મંજૂર કરાઈ છે. બેઠકમાં ગટરલાઇનના કામો માટે બે મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ થઇ હતી. વહીવટી વોર્ડ નં-૧૨ના બિલ મઢી અને ચાપડ રોડ વિસ્તારમાં નવા વરસાદી ગટર લાઇનના કામ માટે રૂ. ૭૨ લાખ કરતાં વધુના ખર્ચે ઇજારદાર “સ્નેહલ કન્સ્ટ્રક્શન”ના ભાવપત્રોને મંજૂરી આપી દેવાઈ છે. અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા વડોદરા શહેર માટે ત્રણ માસ માટે ૨૦૦ તાલીમબદ્ધ રેસ્ક્યુર વોલન્ટિયર્સની ભરતી કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. સાથે જ, ૪૪ મીટર ઊંચાઈ ધરાવતા BRONTO SKYLIFT મશીનના મરામત માટે અંદાજે રૂ. ૪૫.૯૫ લાખના ખર્ચ થનાર છે. અગાઉ બે વાર આ દરખાસ્ત મુલત્વી કરવામાં આવી હતી જોકે આ વખતે તેને મંજુરી આપી દેવાઈ છે. ઓડિટ વિભાગ તરફથી પોસ્ટ ઓડિટની વિગતો દરખાસ્તમા સામેલ હતી. સાથે જ, ચીફ ઓડિટર એચ.એમ. રાવને ૯ દિવસની રજા મંજૂર કરવાની ભલામણ સ્વીકારાઈ છે.

પાણી પુરવઠા શાખામાંથી રજૂ થયેલી દરખાસ્ત મુજબ પૂર્વ ઝોનના આજવા રોડ વિસ્તારમાં ૩૦૦ મીમી વ્યાસની પાણી લાઇન નાંખવાનું કામ અંદાજે રૂ. ૪૫.૪૮ લાખના ખર્ચે કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. આ દરખાસ્ત અગાઉ મુલત્વી રાખવામાં આવી હતી, જે હવે ફરી સમિતિ સમક્ષ રજૂ કરાતા હવે તેને મંજૂર કરી દેવાઈ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની દરખાસ્ત મુજબ ૧૫મા નાણાંપંચ હેઠળ મળેલા રૂ. ૨૭૮.૩૦ કરોડના ફંડમાંથી કુલ ૪૨ કામોની મંજૂરી આપવાની અને તેમાં ફેરફાર કે નવા કામો ઉમેરવાની સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવાની ભલામણની દરખાસ્ત સ્થાયી દ્વારા જાણમાં લેવાઈ છે. શ્રી સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા ઝૂના પ્રાણીઓ માટે શાકભાજી અને ફળફળાદી ખરીદવા રૂ. ૭૬.૨૭ લાખના ભાવે દરખાસ્તને પણ મંજૂર કરાઈ છે. ખરીદીની પ્રક્રિયા બે વર્ષના ઇજારાના આધારે કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગની દરખાસ્ત અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં પાટાવાળા પૂરા પાડવા માટે હાલના ઇજારાને ત્રણ મહિના સુધી વધારવામાં આવશે.
આજની સ્થાયી સમિતિની બેઠકમાં કમિશ્નર અરુણ બાબુ પ્રથમ વાર હાજર રહ્યા હતા. બેઠકમાં તેમણે પોતાના વિચારો સ્થાયી સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં શહેરમાં સફાઈને લઈને તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે જ બાળકોને રમત ગમત માટે જગ્યા ફાળવણીની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. તેમણે સ્થાયી સમિતિ સમક્ષ પોતાની વાત રાખી અને સાથ સહકાર આપવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જે પણ નવા કમિશનરની નિમણૂક થતી હોય છે તે પોતાના વિઝન જાહેર કરતા હોય છે પરંતુ તેમના વિઝન પૂર્ણ થાય તે પહેલા જ અધિકારીઓની બદલી થઈ જતી હોય છે ત્યારે અરુણ મહેશ બાબુ પોતાના વિઝન પર કેટલા ખરા ઉતરે છે તે આવનાર સમયમાં જોવાનું રહશે.