પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે નાણાંની જરૂર ઉભી થતાં મિત્ર પાસે પોતાનું લેપટોપ મૂકી ઉછીના રૂ.13હજાર લીધા હતા
યુવકનું લેપટોપ તથા મોબાઇલ ફોન પણ તોડી નાખી નુકસાન કર્યું હોવાના મુદ્દે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
પારુલ યુનિવર્સિટી મા અભ્યાસ કરતા વિધ્યાર્થીએ રૂપિયાની જરૂર પડતાં પોતાના એક મિત્ર પાસે લેપટોપ મૂક્યું હતું અને જ્યારે તે લેપટોપ પાછું લેવા ગયો ત્યારે લેપટોપના સ્ક્રિન પર સ્ક્રેચ હોય યુવકે લેપટોપ રિપેરિંગ ની રકમ કાપીને ઉછીના નાણાં પરત આપવાની વાત કરતાં તેના મિત્રે અન્ય ત્રણ ઇસમો સાથે મળીને યુવકને અપશબ્દો બોલી ઝપાઝપી કરી લાકડીથી હૂમલો કર્યો હતો અને લેપટોપ તથા મોબાઇલ તોડી નાખતા સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત ઉમા ચારરસ્તા ખાતેના સાંવરિયા સોસાયટીમાં રહેતો મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના અંધારી ગામનો સાગર સુધાકર વાઘ નામનો યુવક રહે છે અને વાઘોડિયા ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીમાં બી.ટેક.સી.એસ.સી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.ગત તા. 16-03-2025 ના રોજ સાગરને નાણાંની જરૂર હોય તેણે પોતાના એક રાહુલ આહિર નામના મિત્રને પોતાનું લેપટોપ આપીને બદલામાં રૂ 13,000 ઉછીના લીધા હતા જે પૈસા ગત તા.24 એપ્રિલના રોજ રાત્રે સાડા નવ વાગ્યે પોતાના મિત્રો રાજશેખર અજીતકુમાર સિંગ તથા નિશાંત સિંગ સાથે આઇ ટાવર ડવડેક ખાતે પરત આપવા માટે ગયા હતા જ્યાં રાહુલ આહિર નો મિત્ર વિશાલ ગાંગર હાજર હતો તેણે સાગર વાઘનું લેપટોપ પરત આપ્યું હતું જેને ચેક કરતાં લેપટોપના સ્ક્રિનમા સ્ક્રેચીશ હતા જેથી સાગર વાઘે રાહુલ આહિરને ફોન કરીને લેપટોપના સ્ક્રિન ની સ્થિતિ જણાવી ઉછીના રૂ.13,000 ની સામે રૂ.10,000ગુગલ પે થી આપી બાકીના લેપટોપ સ્ક્રિન રિપેરિંગ ખર્ચ કાપીને નિકળતાં બાકી રૂપિયા આપવાની વાત કરી હતી અને ડવડેકના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે અચાનક રાહુલ આહિર તથા તેના મિત્રો મેહુલ ભરવાડ, માર્મિક અને અન્ય એક અજાણ્યા ઇસમે સાગર વાઘને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી તથા લાકડીથી પગ,પીઠ અને માથાના ભાગે માર માર્યો હતો તથા સાગર વાઘનું લેપટોપ અને ફોન તોડી નાખ્યાં હતાં જેથી સાગરના મિત્રોએ દરમિયાનગીરી કરી ઇજાગ્રસ્ત સાગર વાઘને સવિતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં સારવાર બાદ સાગર વાઘે ચાર ઇસમો વિરૂધ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.