કાણીસા ગામમાં 2019માં બેસતા વર્ષના દિવસે જ સહેલી સાથે રમતી બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો
આણંદ.
ખંભાત તાલુકા કાણિસા ગામમાં રહેતા શખ્સને સાત વર્ષની બાળકી પર દૂષ્કર્મ ગુજારી નિર્મમ હત્યા કરવા બદલ કોર્ટે બે અલગ અલગ કલમ હેઠળ ફાંસીની સજા ફરમાવી હતી. આ હત્યા એટલી ક્રુર હતી કે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનું વર્ણન સાંભળી કોર્ટમાં હાજર સૌ કંપી ગયાં હતાં. જ્યારે કોર્ટે પણ મામલાની ગંભીર નોંધ લઇ સજા ફરમાવી હતી.
ખંભાત તાલુકાના કાણિસા ગામમાં રહેતો અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ નામના શખ્સે 28મી ઓક્ટોબર,2019ન રોજ બેસતા વર્ષે જ કૂકર્મ આચર્યું હતું. પોતાની સહેલી સાથે રમતી 7 વર્ષિય માસુમ બાળકી પાસે આવીને અર્જુન ઉર્ફે દડાએ તેને બિસ્કીટ આપવાની લાલચ આપી હતી. આથી, બાળકી તેની સાથે ગઇ હતી. જોકે, અન્ય બાળકીઓ પણ સાથે જતાં અર્જુને તેને પરત મોકલી ફક્ત સાત વર્ષની બાળકીને સાથે રાખી લઇ ગયો હતો. બાદમાં રસ્તામાં તેને ગામનો પૂર્વ સરપંચ મળતાં બિસ્કીટ અપાવવા રૂ.20 માંગ્યાં હતાં. પરંતુ પૂર્વ સરપંચે આપ્યાં નહતાં. આમ છતાં આ શખ્સ બાળકીને લઇ ગયો હતો. બાદમાં મોડી રાતે વિંઝોલ સીમમાંથી પસાર થતાં કાંસમાંથી બાળકીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતાં પરિવારજનો ચોંકી ગયાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ આ મામલો રેપ વીથ મર્ડર જણાયો હતો. તેમાંય પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સૌ કોઇના કાળજા કંપી જાય તે રીતે આરોપીએ દૂષ્કર્મ ગુજારી ક્રૂર હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
આ અંગે પોલીસે ગુનો નોંધ્યા બાદ કલાકોમાં જ અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલની ધરપકડ કરી હતી. પ્રથમિક પુછપરછમાં તેણે બાળકી સાથે લઇ ગયો હોવાની કબુલાત કરી હતી. આ અંગે પોલીસે ફોરેન્સીકની મદદ લીધી હતી. આ મામલે સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલ, 24 સાક્ષી, 40 જેટલા પુરાવા કોર્ટમાં રજુ કર્યાં હતાં. આ ઉપરાંત આ કેસને રેર ઓફ ધ રેર ગણી કડક સજા કરવા માગણી કરી હતી. આથી, કોર્ટે દલીલ, પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખી સમગ્ર કેસમાં અર્જુન ઉર્ફે દડો ગોહેલને હત્યાની કલમ આઈપીસી 302 અને પોક્સોની કલમ 6 મુજબ મૃત્યુ દંડ ઉપરાંત આઈપીસી -363 7 વર્ષની કેદ તથા રૂ.10 હજાર દંડ. જો દંડ ન ભરે તો વધુ 2 માસની કેદ. આઈપીસી 376માં આજીવન કેદ અને રૂ.20 હજારનો દંડ. પુરાવાના નાશની કલમ 201 મુજબ સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર બાળકીના માતા – પિતાને રૂ.13.50 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.