Vadodara

ફ્યુચરીસ્ટીક સેલની જગ્યાએ હેરીટેજ વિભાગ બનાવો,જે સીધા મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી હેઠળ કાર્ય કરે: ડૉ. હેમાંગ જોશી

વડોદરા શહેરમાં હેરિટેજ મુદ્દે સાંસદ હેમાંગ જોશીએ કેટલાક સૂચનો સાથે પત્ર લખ્યો

હાલ સૌથી વધારે ચર્ચામાં છે એવો શહેરની મધ્યમાં આવેલો માંડવી દરવાજો બચાવવા અનેક સંસ્થાઓ કામે લાગી છે

વડોદરા:; હેરિટેજ મુદ્દે હાલ પાલિકા તંત્ર અને સંસ્થાઓ ચિંતામાં છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલું 400 વર્ષ જૂનું માંડવી દરવાજા સ્ટ્રક્ચર જર્જરિત હોવાથી લોકો પાલિકા તંત્રની ઝાટકણી કાઢી રહ્યા છે. રાજવી પરિવારે પણ આ મુદ્દે પાલિકા તંત્રને ઘણા સૂચનો આપ્યા છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ આ બાબતે પત્ર લખી વડોદરાના હેરીટેજ કન્સર્વેશન માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સૂચનો વ્યક્ત કર્યા છે.

ખાસ કરીને માંડવી સાઈટના રીસ્ટોરેશન માટે તજજ્ઞો અને હેરીટેજ કન્સર્વેશન એક્સપર્ટ સાથે મળીને કાયમી ઉકેલ લાવવો અને પુરાતત્વ વિભાગના માપદંડોનું પાલન કરવું જરૂરી છે. આ સાથે, વડોદરાના અન્ય હેરીટેજ સ્થળો માટે પણ વિશેષ ધ્યાન આપવું અને ફ્યુચરીસ્ટીક સેલની જગ્યાએ હેરીટેજ વિભાગ બનાવવો જે સીધા મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી હેઠળ કાર્ય કરે, તે વધુ અસરકારક રહેશે. આથી, હેરીટેજ કન્સર્વેશનમાં ઝડપી મરમ્મત, રૂટીન એનાલિસિસ અને જનતા સાથે સંવાદ માટે સારા કાર્યક્રમો યોજી શકાય અને વડોદરાના પૌરાણિક વારસાને જાળવી શકાય.

વડોદરા શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વની દ્રષ્ટિએ આ પ્રકારની વ્યવસ્થા વડોદરાના વિકાસ અને વારસાને સંરક્ષિત કરવા માટે અનિવાર્ય છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિકાસ અને વારસાની દ્રષ્ટિ સાથે સુસંગત રહેશે.

Most Popular

To Top