વડોદરા: વડોદરાના દોડકા ગામે મહાનગરપાલિકાની પ્રેશર લાઇનમાં તૂટફૂટ થતાં સોમવારે અડધા વડોદરા શહેરમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે લગભગ 7 લાખ લોકો પ્રભાવિત થયા હતા. મહીસાગર નદીથી આવતી મુખ્ય લાઇન તૂટવાથી ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વડોદરાના વિસ્તારોમાં પાણી ન મળતા તંગી સર્જાઈ હતી. તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા આ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. જોકે,.સમારકામ થઈ રહ્યું હોવાથી મંગળવારથી શહેરમાં નિયમિત પાણી વિતરણ થશે.

મ્યુનિસિપલ કમિશ્નર અરૂણ બાબુ અને મેયર પિન્કીબેન સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ દોડકા ગામ જઈને સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું . યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયુ છે. કમિશ્નરે આશ્વાસન આપ્યું કે મંગળવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ થઈ જશે. સાથે જ 35 વર્ષ જૂની જર્જરિત લાઇનને બદલવાની પણ યોજના છે.
આ સમસ્યા વડોદરાના ઉનાળામાં પીવાના પાણીની તંગી વચ્ચે ઊભી થઈ છે, અને તાત્કાલિક સમારકામ માટે તંત્ર સક્રિય છે.