મેયર-કમિશ્નરને ફરીયાદ બાદ પણ વ્યવસાય ઠપ : કોણ લેશે જવાબદારી ?
વિશ્વામિત્રી પ્રોજેક્ટની સાથે વડોદરા પાલિકા અન્ય વિસ્તારોમાં બેદરકારી રાખી રહી છે, NH-48 નજીકના વેપારીઓ અને રહેવાસીઓ મુશ્કેલીમાં
વડોદરા શહેરમાં હાલ વિશ્વામિત્રી નદીનો વિકાસ પ્રોજેક્ટ પુરજોશમાં ચાલી રહ્યો છે. શહેરની એક મહત્વની નદીનું સ્વચ્છતા અને સંવર્ધન માટે પગલાં લેવાઈ રહ્યા છે, જે, નિસંદેહ, એક ઉમદા ઉદ્દેશ્ય છે. પરંતુ આ વચ્ચે શહેરના અન્ય વિસ્તારોની અવગણના થતી હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલમાં NH-48, એટલે કે નેશનલ હાઈવે પર આવેલા L&T નોલેજ સિટી સામે આવેલા એક કોપ્લેક્સના દુકાનદારો અને ધંધાર્થીઓએ ગંભીર તકલીફો વ્યક્ત કરી છે.
તેમનો આરોપ છે કે, વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા 6 એપ્રિલે ત્યાં ખોદકામ શરૂ કરાયું, પરંતુ તેમને કોઈ પ્રકારની વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો નથી. પરિણામે, અહીં આવેલી હોટલો, ટ્રાન્સપોર્ટ ઓફિસો અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ બાધિત થઈ છે.
કોપ્લેક્સમાં આવેલી હોટલના માલિકોનું કહેવું છે કે હવે ગ્રાહકો આવતા નથી. “જમવા માટે લોકો આવે નહીં તો વ્યવસાય કેવી રીતે ચાલે?” એમ એક હોટલના સંચાલકે પ્રશ્ન ઉઠાવ્યો. આર્થિક નુકસાન એટલું મોટું છે કે કેટલાક ધંધાર્થીઓ રોજગારી ગુમાવવાની કગાર પર છે. ટ્રાફિક માટે પાછળનો માર્ગ ઉપલબ્ધ છે પરંતુ તે પૂરતો નથી અને ખટમાળાભર્યા માર્ગ પર વાહન ચલાવવું મુશ્કેલ છે. અહીંના વેપારીઓ અને રહેવાસીઓએ માત્ર મૌખિક નહીં પણ લેખિત રૂપે પણ રજૂઆત કરી છે. વોટ્સએપ, ઈમેલ, અને સીધા મેયર તેમજ કમિશ્નર સુધી રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી. “અમે વિકાસના કામના વિરોધમાં નથી, પરંતુ આયોજન વગરનું કાર્ય અમારું જીવન દુષ્કર બનાવે છે,” એમ સ્થાનિક વેપારીએ કહ્યું.
વિસ્તારના ઇજનેર નિલેશ પરમારના જણાવ્યા મુજબ ખોદકામની કામગીરી પાલિકા દ્વારા કરાઈ છે . પરંતુ જે એપ્રોચ હટાવવામાં આવ્યો તે હાઈવે ઓથોરિટીના આદેશ હેઠળ થયું છે. “ પાઈપો માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આગામી 10 દિવસમાં કામ પૂરું થઈ શકે છે,” એમ તેમણે સ્પષ્ટતા આપી. જ્યારે એક તરફ પાલિકા પોતાનું દાવપેચ આપી રહી છે કે મુખ્ય કામગીરી તેમની નહીં પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા થઈ રહી છે, ત્યારે સ્થાનિક લોકો એવી પણ શંકા વ્યક્ત કરે છે કે આ જવાબદારી એકમેક પર ધકેલીને તંત્ર પોતાનું દોષ ટાળી રહ્યું છે. વિશ્વામિત્રી નદીના વિકાસ માટે કરાતા પ્રયાસો પ્રશંસનીય છે, પણ માત્ર એક પ્રોજેક્ટ પર ઘ્યાન કેન્દ્રિત કરીને શહેરના અન્ય વિસ્તારોના નાગરિકોની સમસ્યાઓ અવગણવી યોગ્ય નથી.