Vadodara

દસ વર્ષના બાળક સાથે રહેતી વિધવાને દ્વિઅર્થી ભાષામાં ફોન કરનાર ઝડપાયો


*આરોપી નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના બસસ્ટેન્ડ નજીક રેડિયમ આર્ટની દુકાન ચલાવે છે*

*સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

શહેરના એક વિસ્તારમાં દસ વર્ષના બાળક સાથે રહેતી વિધવા માતાને મોબાઇલ ફોન કરી અભદ્ર રીતે દ્વિઅર્થી ભાષામાં ફોન કરવાના મામલે મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એક વિસ્તારમાં પોતાના દસ વર્ષના બાળક સાથે રહેતી વિધવા મહિલાને એક અજાણ્યા મોબાઇલ ફોન નંબરથી ફોન આવ્યો હતો ફોનમાં પોતે “ગોરવાથી પરેશ બોલું છું કાલે કેવું પછી ” તેમ દ્વિઅર્થી અને અભદ્ર વાત કરતાં મહિલા ડઘાઈ ગઈ હતી. તેણીએ ફરી ફોન કરનારને પૂછ્યું હતું કે તે ક્યાંથી બોલે છે અને કોણે તેમનો નંબર આપ્યો છે, ત્યારે સામેથી પુરુષે કહ્યું હતું કે તે વડોદરા છાણી જકાતનાકા થી પરેશ બોલે છે અને ગોરવાના અમીત નામના વ્યક્તિએ નંબર આપ્યો છે. જેથી મહિલાએ પોતે કોઈ અમીત નામના વ્યક્તિને ઓળખતી કે જાણતી ન હોવાનું જણાવી ફરી ફોન ન કરવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલે મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના મોબાઈલ ફોનમાં ઓડિયો રેકોર્ડિંગ પૂરાવા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પરેશ પટેલ અને તેના મિત્રને ઝડપી પાડ્યા હતા. પરેશ ની નિઝામપુરા વિસ્તારમાં આવેલા જૂના બસસ્ટેન્ડ નજીક રેડિયમ આર્ટ, શ્રી ગણેશ એક્રેલિક પ્રો. નામની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. ફતેગંજ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સિવાય અગાઉ પણ કોઇ મહિલા સાથે આ રીતે વાત કરી છે કે પરેશાન કર્યા છે કે કોઈ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે વિગેરે અંગેની પૂછપરછ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top