જંગલો ઓછા થવાની સાથે ક્લાઈમેટ ચેન્જને કારણે દેશમાં ધીરેધીરે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક ઠેકાણે ગરમી છેલ્લા વર્ષોના રેકોર્ડ તોડી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ હોય તો સરકાર દ્વારા અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિથી લોકોને બચાવવા માટે જાતજાતના પ્લાનિંગ કરવામાં આવે છે. પરંતુ ઉનાળો એવી ઋતુ છે કે જેમાં સરકાર દ્વારા લોકોને ગરમીથી બચાવવા માટેના કોઈ જ આયોજનો હોતા નથી. તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટે ગરમીના મામલે રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી. રાજસ્થાનની હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યના નાગરિકોને પશુઓ જેવા ગણી શકાય નહીં.
દરેક માનવી અને દરેક જીવંત પ્રાણી, પક્ષીઓને જીવવાનો અધિકાર છે. ગરમી પડતી હોય તો સરકારે પાણીનો છંટકાવ, ઠંડકની જગ્યાઓ, ટ્રાફિક સિગ્નલો પર છાંયડો જેવા તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ. રાજસ્થાન હાઈકોર્ટે વધુ ગરમી મામલે આશરે દસ મહિના પહેલા 2024માં સુઓમોટો સંજ્ઞાન લઈને રાજસ્થાન સરકારને ગરમીનો સામનો કરવા માટે વિવિધ આયોજનો કરવા માટે નિર્દેશો જારી કર્યા હતા. પરંતુ રાજસ્થાન સરકારે કોઈ જ એક્શન પ્લાન બનાવ્યો નહીં. જેને પગલે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાન હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નિર્દેશો છતાં અધિકારીઓ નિષ્ક્રિય રહ્યા છે તે ખોટું છે. અધિકારીઓ ગરમીના મોજાની હાલની પરિસ્થિતિ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. રાજ્યના લોકો ભારે ગરમીના મોજા અને ગરમીના સ્ટ્રોકથી પિડાઈ રહ્યા છે. ગરમીની કટોકટીભરી પરિસ્થિતિઓમાં રાજ્યના અધિકારીઓની નબળી કામગીરી પ્રત્યે કોર્ટ આંખ બંધ કરી શકે નહીં. આ અધિકારીઓ પોતાનો કાયદાની પહોંચથી ઉપર અને બહાર માને છે. કોર્ટના નિર્દેશનું પાલન નહીં કરવું તે પ્રથમદર્શી રીતે અપમાનજનક છે.
રાજસ્થાન હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવને આ મુદ્દા પર કામગીરી કરવા માટે વિવિધ વિભાગોની એક સંકલન સમિતીની રચના કરવા માટે પણ આદેશ આપ્યો હતો અને સાથે સાથે ગરમીની સામે લડવાની સાથે સાથે ગરમીને કારણે થતી બીમારીઓને કેવી રીતે કાબૂમાં કરી શકાય તેનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે પણ આદેશ કર્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે રાજસ્થાન સરકારની જે ઝાટકણી કાઢી છે તે આખા દેશમાં લાગુ પડે છે. દેશમાં અનેક ઠેકાણે ગરમી માઝા મૂકી રહી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારોએ ગરમીની સામે કેવી રીતે લડવું તેના આયોજનો કરવા જોઈએ. વિશ્વમાં આગામી વર્ષોમાં ગરમી વધતી જ રહેશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે સરકારોએ આ માટે નાગરિકોને બચાવવા તૈયાર રહેવું પડશે તે નક્કી છે.