મહાનગરપાલિકાની ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર અકસ્માત સર્જે છે
ટ્રાફિક સપ્તાહની ઉજવણી પુરતા સમય માટે જ ટ્રાફિકના નિયમોનું કડક પાલન થાય છે?
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. તેમાં આજે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશેલા ડમ્પરે એક આધેડને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનામાં સ્થળ પર લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. જયારે ડમ્પર પર ઓન ડ્યુટી વી.એમ.એસ.એસના બોર્ડ લાગેલા હતા. ટ્રાફિક સપ્તાહની ઉજવણી પુરતા સમય માટે જ ટ્રાફિકના નિયમોનું કડક પાલન થતું હોય તેમ લાગી રહ્યું છે.

હાલ શહેરમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરીમાં અનેક જંગી મશીનરી કામે લાગેલી છે. જેમાં માટી વાહન કરવા માટે શહેરના તમામ વિસ્તારોમાં સેંકડો ડમ્પર પણ કામે લાગ્યા છે. જેને ઓન ડ્યુટી વી.એમ.એસ.એસના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જે ડમ્પર પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં અવરજવર કરતા હોય છે. સવારના 9 થી 1 અને સાંજના સમયમાં ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ શહેર પોલીસ કમિશનર દ્વારા ફરમાવવામાં આવ્યો હોવા છતાંય વી.એમ.એસ.એસ.ની ડ્યુટીના નામે બેફામ ડમ્પરો રસ્તા પર નીકળી રહ્યા છે.


આજે શહેરના અટલાદરા બ્રીજ પાસે એક માતેલા સાંઢની જેમ આવતા ડમ્પર ચાલકે તાંદલજા વિસ્તારમાં રહેતા રફીકભાઈ નામના આધેડને અડફેટે લીધા હતા.ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયેલા રફીકભાઈ આશરે 30 ફૂટ જેટલા ઢસડાઇ ગયા હતા. જ્યાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતદેહને હોસ્પિટલ ખાતે મોકલી આપીને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી.

હજી તો ઘણા દિવસો આ કામગીરી ચાલવાની છે. ત્યારે શહેરીજનોને રસ્તે ચાલતા પણ ડર લાગશે. કોઈ ખાનદાની નબીરો કાર ચઢાવી દે તો કોઈ સરકારી કામમાં જોડાયેલું વાહન કચડી નાખે! સડક સુરક્ષાની મોટી મોટી વાતો કરતું તંત્ર ક્યારે નાગરિકોને ક્યારે સુરક્ષા પૂરી પાડશે અને ક્યારેક આવા નિર્દોષ લોકો જીવ બચશે તેવી ચર્ચાઓએ જોર પકડી છે.
