દબાણ હટાવવા પાલિકા તંત્ર સજજ પણ પ્રાથમિક સુવિધા માટે કેમ નહિ ?
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નં 16માં સોમા તળાવ ચાર રસ્તા નજીક રોડ વચ્ચે ખૂબ મોટો અને ઊંડો ખાડો પડ્યો છે. ટ્રાફિકથી અતિ વ્યસ્ત રહેતો આ વિસ્તારમાં રાત દિવસ કેટલાય વાહનોની અવરજવર રહે છે. ઉપરાંત રાહદારીઓ પણ રસ્તો ક્રોસ કરતા હોય છે. છતાં છેલ્લા કેટલાય દિવસથી પડેલો મોટો ખાડો કોઈને નજર પડતો નથી. આ વિસ્તારમાંથી અવારનવાર પસાર થતાં સ્થાનિક કાઉન્સિલરના પણ પેટનું પાણી આ ખાડો જોઈને હાલતું નથી.
આ ખાડામાં કોઈ વાહનનું વ્હીલ ફસાતા કે પડતા વાહનચાલક વાહન પરથી પોતાનો કાબુ ગુમાવી શકે છે અને વાહન ઊંધું વળી જાય સાથે વાહન ચાલક રોડ પર પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ઉપરાંત કોઈ રાહદારી પણ આ રોડ પરથી પસાર થતાં ખાડામાં પડી જવાથી ઇજાગ્રસ્ત બની શકે છે. આ અંગે આજ દિન સુધી પાલિકા તંત્રના ધ્યાને આ ખાડો કેમ આવ્યો નથી એ પણ એક પ્રશ્ન છે. ખાડામાં પડી કોઈ વ્યક્તિને ઇજા થાય તો તેની જવાબદારી કોની ગણાય એ પણ એવો સ્થાનિક લોકોએ સવાલ કર્યો છે. ટ્રાફિક થી અતિ વ્યસ્ત રહેતો આ વિસ્તાર માં ચાર રસ્તા ઉપર જ હપ્તા ખોર ટ્રાફિક પોલીસ પણ ઉભી રહી જ હોય છે અને પ્રાઇવેટ ગાડીઓ ડભોઇ બોડેલી વાઘોડિયા જેવા વિસ્તારોમાં જવા માટે મુસાફરો ભરતા હોય છે ટ્રાફિક પોલીસ કેટલી વ્યસ્ત હોય છે કે તેઓને ગેરકાયદેસર ચાલતાં ખાનગી વાહનો તો નથી દેખાતા પરંતુ રસ્તાની વચ્ચે પડેલો મસ્ત મોટો ખાડો પણ નથી દેખાતો. જેથી લોકો માં રોષ ફેલાયો છે.
લોકોનું કહેવું છે કે પાલિકા તંત્ર વોર્ડ અધિકારી સ્થળ મુલાકાત લઇ આ ખાડો તાત્કાલિક ધોરણે પુરાવે એ જરૂરી છે.