ફતિયાવાદ પાસે સર્જાયેલા અકસ્માતમાં થારનો કૂડદો બોલી ગયો
એસટી બસ ફંગોળાઇને ઝાડ સાથે અથડાતાં 10 જેટલા મુસાફરો ઘવાયાં
કપડવંજ | કપડવંજના ફતિયાવાદ ગામમાં નર્મદા કેનાલ પાસે પુરપાટ ઝડપે જતી થાર રોંગસાઇડે આવીને સામેથી આવતી એસટી સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કૂડદો બોલી ગયો હતો અને જ્યારે તેના ચાલકની સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. કપડવંજના આંતરોલી ગામ સાસરિમાં આવેલા ઘાટલોડીયાના યુવકને અકસ્માત નડતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જોકે, આ અકસ્માતમાં એસટી બસ પણ ફંગોળાઇને ઝાડ સાથે અથડાઇ હતી. જેના કારણે 10 જેટલા મુસાફરોને નાની – મોટી ઇજા પહોંચી હતી. જેમાં ચારને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
કપડવંજના નડિયાદ રોડ ઉપર આવેલા ફતિયાવાદ કેનાલ પાસે કપડવંજથી નડિયાદ જતી બસ સાથે થાર ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં થારના ચાલક કૃણાલ જયંતિભાઈ ઠાકોર (ઉ.વ.આ.30)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં થાર ગાડી તથા એસ.ટી.બસ પણ ઝાડ સાથે અથડાઈ હતી. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, થારનો આગળના ભાગનો કૂડદો બોલી ગયો હતો. તેના ચાલકને બહાર કાઢવા માટે ફતિયાવાદ ગામના યુવાનોએ મદદ કરી હતી. જ્યારે એસ.ટી.માં સવાર 10 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. આ અંગે શિહોરા ગામના સરપંચ ગીરીશભાઈ પંચાલે 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કર્યો હતો. જેથી ટીમ દોડી આવી હતી. આ મુસાફરોમાં ચાર વ્યક્તિની સ્થિતિ ગંભીર જણાતા તેમને નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાથમિક તપાસમાં થાર ગાડીનો ચાલક રોંગસાઇડે પુરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો. જ્યારે અકસ્માત સમયે થારની ઝડપ 100 કિલોમીટરથી પણ વધુ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં હતાં.
આ અંગે ગીરીશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, થાર ગાડીનો ચાલક અમારી ગાડીને ઓવરટેક કરીને કઠલાલ બાજુથી કપડવંજ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન ફતિયાવાદ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજા પામેલા બસના મુસાફરોને 108 વાન એમ્બ્યુલન્સ મારફતે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પગલે આંતરસુબા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિંજલ ચૌધરી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઘટના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
