હરિપ્રબોધમ પરિવાર દ્વારા આત્મીયતાની આરાધના તેમજ ન્યાય માટે મૌન રેલી યોજાઇ
ગુણાતિત ચરણ સ્વામીના આપઘાત કેસમાં પુરાવા છે ત્યારે યોગ્ય તપાસ કરી ન્યાય આપવા માંગ

(પ્રતિનિધિ ) વડોદરા, ૨૩
સંપ્રદાયમાં ઐકય એકતા સ્થપાય તે માટે મૌન રહીને સામુહિક નિવેદન પ્રગટ કરવાના પ્રયાસ હેતુ રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં હરિપ્રબોધન મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજિત પત્રકાર પરિષદમાં હરિપ્રબોધમ ઉમેશભાઈ યાજ્ઞિક અને એડવોકેટ ચિતરંજનભાઈ ઉપાધ્યાયે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મૌન રેલી ગુરુ હરીપ્રસાદ સ્વામીજીએ સ્થાપેલ સમાજ દર્શન કરાવવાનો અને તેની ઓળખનો વારસો સાચવવા તથા નિવારણ કરવા માટે મૌન રેલી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુરુ હરીપ્રસાદ સ્વામીજી તેઓ સદેહે હયાત હતા ત્યાં સુધી તમામ સંતો, સાધવીઓ, સહિષ્ણુતાઓ અને અનુયાયીઓ આત્મીયતાથી સેવા કરતા આવેલા હતા. સ્વામીજીએ વખતોવખત મૌખિક રીતે તેમની હયાતીમાં વડીલોને ગુરૂહરિ પ્રબોધજીવનસ્વામીજી માટે વાતો કરેલી હતી. આ હકીકતની જાણકારી તમામને થયા બાદ વિશાળ સમુદાયે, ગુરૂહરિ પ્રબોધજીવનસ્વામીજી આ જવાબદારીના વહન માટે યોગ્ય અનુગામી છે એવો અભિપ્રાય સહર્ષ વ્યક્ત કરેલો હતો. પરંતુ સ્વામીજીના સ્વધામગમન બાદ એક સમુદાય દ્વારા પ્રેમસ્વરૂપસ્વામીજીને આગળ કરીને મતમતાંતર ઊભા કરવા પ્રયત્ન થયો.

૫.પૂ. હરિપ્રસાદસ્વામીજીના શરૂ કરેલા પવિત્ર કાર્યમાં અવરોધ ઉભો ના થાય તેવા પવિત્ર હેતુથી, ગુરૂહરિ પ્રબોધજીવનસ્વામીજી અને પ્રેમસ્વરૂપસ્વામીજી બંને સાથે રહીને કાર્ય આગળ ધપાવશે તેમ નક્કી થયું. પરંતુ તેમનો અમલ નહીં કરીને એક જૂથ દ્વારા તકરારો શરૂ કરવામાં આવી હતી. એક જૂથ દ્વારા સતત નવ મહિમા સુધી હરિધામની પવિત્ર અને પાવન ધરતી પર પ્રબોધસ્વામીજી સાથે જોડાનાર અમો સંતો, સાધ્વીઓ, સેવકો અને ભક્તોને પજવણી કરવામાં આવી હતી.

મંદિરના ગેટ પર બાઉન્સર મૂકી દેવામાં આવ્યા હતા. મંદિરમાં આવતા ભક્તો સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી. સંતોને સત્સંગકાર્ય કરવા માટે બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી. ભકતો પોતાના ખાનગી સામાજિક, આધ્યાત્મિક પ્રશ્નોના નિવારણ માટે સંતોના સમાગમ અર્થે આવતાં તો દરેક જગ્યાએ વોઈસ રેકોર્ડીંગવાળા CCTV કેમેરા મુકીને માનસિક પજવણી કરાતી.અનેક પ્રકારની ઘટનાઓને પગલે મંદિરના વહીવટીતંત્રને અનેકવાર વિનંતી કરવા છતાં કોઈ પરિણામ ન આવ્યું. દિવસે દિવસે પરિસ્થિતિ એટલી વણસતી ગઈ કે ધાક-ધમકી અને મારવાના પણ પ્રયત્નો થયા. જેથી અમ સાધકોમાં ભય અને ફફડાટ વ્યાપી ગયો. આવી ભયભીત પરિસ્થિતિ સતત આઠ મહિના સુધી ચાલી.

હાલમાં કોઈપણ ભોગે પ્રબોધ સ્વામીજીના ગ્રુપને આ બંને જગ્યાએથી હાંકી કાઢવાના પ્રયત્નો હજી ચાલી રહ્યા છે એ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ કરવામાં આવી. આજે પણ એ લડાઈ ચાલુ છે જે તે સમયે ઓર્ડરના પોતાની રીતના અર્થ સમાજમાં મૂકી સમાજને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

હરિધામ મંદિરમાં અનુપ ચૌહાણ નામના એક વ્યક્તિને સંતો દ્વારા મારવામાં આવતા જેના વિડીયો પણ વાયરલ થયા હતા પરંતુ જરૂરી યોગ્ય પુરાવા હોવા છતાં પણ આજે કેસ ખૂબ ધીમો ચાલે છે એ માટે પણ ન્યાયની માંગણી છે.

ગુણાતીત ચરણ સ્વામીના આપઘાત બાબતે જરૂરી યોગ્ય તમામ પુરાવાઓ હોવા છતાં યોગ્ય તપાસ નહીં થતા નામદાર કોર્ટમાં અરજી કરી. કોર્ટના તપાસના હુકમ છતાં છેલ્લા ચાર મહિનાથી ખૂબ ગોકળગાયની ગતીએ પ્રક્રિયા ચાલી રહી છે તેઓની માંગણી છે કે આ પ્રક્રિયા ઝડપથી થાય અને ગુણાતીત ચરણ સ્વામી તથા તેમના પરિવારને યોગ્ય ન્યાય મળે.
ચેરિટી કમિશનર વડોદરા, સુરત, ભરૂચ , રાજકોટ માં દાખલ કરેલા કેસો કોઈ દબાણને વશ થયા વિના નિષ્પક્ષ પણે ચલાવવામાં આવે અને માત્ર ગુણદોષ ના આધારે નિર્ણય લેવાય તેવી તેઓએ માગણી કરી છે.
