*ચંદ્રશીલા શિખરને સર કરતા સાહસિકો*
પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજ, આણંદ, અમદાવાદ સહિતના ગુજરાતના ૧૫ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્રાથમિકતા આપતા હિમાલયની પર્વતમાળામાં આવેલ ચંદ્રશીલા શિખર કે જે ભારતના ઉત્તરાખંડ રાજ્ય સ્થિત છે. તેમાં અનેક પર્વતો એવા છે કે જેની ગણના વિશ્વના સૌથી ઉંચા પર્વતો તરીકે માનવામાં આવે છે.તે શ્રેણીમાં સમાવિષ્ટ એવા ચંદ્રશીલા ટ્રેકનું ગત તા.૨ માર્ચથી શરૂ કરી ૬ માર્ચ સુધીમાં સફળ આરોહણ કરી વધુ એક સિધ્દિના સોપાન સર કરતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સદર ટ્રેકિંગના શોખીનો એવા કપડવંજના હર્ષિલ શાહ, આણંદના રીતુ શાહ,શ્રુતિ ચૌહાણ,પાર્થ પરાશર,આયુષ પટેલ,જય રાણા તથા અમદાવાદથી મિતેષ પ્રજાપતિ, ભાવિક પ્રજાપતિ,ચિરાગ કાકડિયા,ચિરાગ રામી,સંજય પ્રજાપતિ,કિતિક,કેવલ સહિત કુલ-૧૫ સાહસિકોએ સફર કરી હતી.સાહસિકોએ જણાવ્યું હતું કે ટ્રેક ધી હિમાલયની ચંદ્રશીલા તથા હિમાલયની પર્વતમાળાઓનો અજોડ નજારો કે જે ચારે બાજુએથી ઘેરાયેલો છે.તથા દિયોદર તાલ લેક કે જેની પૌરાણિક કથાઓ અનુસાર તે તળાવને મહાભારતની કથા સાથે જોડાયેલી માવવામાં આવે છે, કે જ્યારે યક્ષદ્વારા શક્તિશાળી પાંડવોને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.તેમાંથી ખાલી યુધિષ્ઠિર જ સાચા ઉત્તર આપી શક્યા હતા તે આ સ્થાન હોવાનું અનુમાન છે. શાંત દિયોદર તાલ તળાવની આસપાસના શિખરોનું અદ્ભુત પ્રતિબિંબ દર્શાવે છે.અને તેને વિરામ લેવા તથા પ્રકૃતિની પ્રસંશા કરવા માટે શાંતિપૂર્ણ સ્થળ છે. હિમાલયના અદ્ભુત શિખરોનો નજારો સાહસિકો માટે અવિસ્મરણીય બની ગયો હતો.
અતિ રમણીય શિખર પર સફળ આરોહણ કરીને એક અનોખી સિધ્ધિ હાંસલ કરી છે. આધ્યાત્મિક મહત્વથી સમૃધ્ધ વિશ્વનું સૌથી ઉંચુ અને પ્રાચીન શિવ મંદિર તુંગનાથ મહાદેવની (પંચ કેદારમાંથી તૃતિય કેદાર)માં દિવ્ય ઉર્જાની અનુભુતિ થઈ હતી.સાહસિકોના જણાવ્યાનુસાર આ ટ્રેકીંગ મહેનત અને સાહસિકતા દાખવતા સતત પાંચ દિવસ સુધી વિષમ જોખમકારક ઢોળાવ,અતિશય ભારે પવન અને ભયજનક વળાંક પર ચાલીને ૧૨,૦૦ ફુટની ઉંચાઈએ આવેલ ચંદ્રશીલા શિખર સર કરી ગૌરવનો અનુભવ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ સાહસિકો છેલ્લા ત્રણેક વર્ષથી હિમાલયના વિવિધ શિખરો ઉપર ટ્રેકીંગ કરી ચુક્યા છે.
