કારે એકટીવાને ટક્કર મારતા પતિ, પત્ની અને બાળકી હવામાં ફંગોળાયા, મહિલાનું મોત અને 7 ઇજાગ્રસ્તોને એસએસજી અને ઝાયડસ સહિતની હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા


વડોદરા તારીખ 14
વંઠેલા નબીરાએ નશો કરેલી હાલતમાં સંગમ ચાર રસ્તા પાસેથી મુક્તાનંદ તરફ પૂરઝડપે કાર દોડાવી એક એકટીવા સહિત ત્રણ વાહનોને લીધા હતા. જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય સાત લોકોને એસએસજી, ઝાયડસ સહીતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસે કાર ચાલક અને માલિકની ધરપકડ કરી મેડિકલ કરાવતા બંને નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતો રક્ષિત ચોરસીયા પોતાના મિત્ર મીત ચૌહાણની કાર 120 પૂરઝડપે દોડાવીને સંગમ ચાર રસ્તા છે મુક્તાનંદ સર્કલ તરફ જઈ રહ્યા હતો તે દરમિયાન આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેથી
એકટીવા સવાર સહિત ત્રણ વાહનોને અડફેટમાં લીધા હતા. જેમાં એકટીવા સવાર માતા, પિતા અને પુત્રી હવામાં ફંગોળાયા હતા. જેમાં મહિલાને તો 100 થી 200 મીટર સુધી કાર ચાલક ઢસડી લઈ ગયો હતો. અન્ય બે વાહનોને પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 7 લોકોને સારવાર માટે એસએસજી સહિતના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ગવાયેલી મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળા જામ્યા હતા તે દરમિયાન કારનો માલિક મિત ચૌહાણ સ્થળ પરથી ભાગી ગયો હતો. જ્યારે રક્ષિત ચોરસીયા કારમાંથી ઉતરીને નિકિતાઝ અનધર રાઉન્ડ તેવી બુમો પાડવા લાગ્યો હતો. દરમિયાન લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યા બાદ કારેલીબાગ પોલીસને સોંપ્યો હતો. કારેલીબાગ પોલીસે મૂળ વારાણસીના અને હાલમાં એમએસયુમાં લોમાં અભ્યાસ કરતા રક્ષિત ચોરસિયાની રાત્રે અને મિત ચૌહાણની સવારે ધરપકડ કરી લીધી છે. પોલીસ સાથે ક્રાઈમ સીન મેનેજર અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી કાર્યવાહી શરૂ કરી હતી. એફ એસ એલ દ્વારા સ્થળ પરથી કેટલાક નમૂના પણ કલેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું જેમાં બંને જણા નશો કરેલી હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
હોળીનો તહેવાર હોય કારેલીબાગ આમ્રપાલી પાસે ફતેગંજ વિસ્તારમાં રહેતા હેમાલીબેન પટેલ (ઉં.37)પોતાના પતિ પુરવ પટેલ સાથે કલર લેવા માટે નીકળ્યા હતા. કાર ચાલકે લઈને તેમને 100 થી 200 મીટર ઢસેડ્યા હતા. જેમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોમાં જૈની (ઉ.12), નિશાબેન (ઉ.35), 10 વર્ષની અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓના સમાવેશ થાય છે. બે લોકોને એસએસજી હોસ્પિટલ ત્રણ અને ઝાયડસ તથા બાકીના ને અમિત નગર સર્કલ પાસેની કોઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમા સાવલી રોડ પર હિટ એન્ડ રનના બનાવ બાદ પોલીસ ઊંઘતી હોય કારેલીબાગમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવની ઘટના બની
વડોદરા શહેરમાં વારંવાર નશો કરેલી હાલતમાં કારચાલકો દ્વારા અન્ય વાહનોને અડફેટમાં લેતા હોય છે . જેના કારણે કોઈ પરિવારનો પિતા, પુત્ર, માતા વૃદ્ધ સહિતના લોકોના મોત થાય છે. તાજેતરમાં જ સમા સાવલી રોડ પર થાળ કારના ચાલકે બાઈકને અડફેટે લેતા આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પણ પોલીસ ઓવર સ્પીડમાં કાર સહિતના વાહનો ચલાવતા લોકો પર કોઈ લગામ નહીં લગાવતા ફરી એક વાર પૂર ઝડપે કાર ચલાવનાર નબીરાઓના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પોલીસ શું ઓવર સ્પીડ અને નશો કરેલી હાલતમાં વાહન હંકાળતા લોકો સામે કાર્યવાહી કરવા શું એક્શન લે છે તે આગામી સમય બતાવશે.
નશા કારક વસ્તુ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ શરૂ

કારેલીબાગ વિસ્તારમાં ઓવર સ્પીડમાં કાર ચલાવવાના કારણે અકસ્માત કરનાર બંને યુવકોની પોલીસે ધરપકડ કરી મેડિકલ કરાવ્યું છે. જેમાં બંને આરોપીઓએ નશો કર્યો હોય તેવું જાણવા મળ્યું છે ત્યારે આ બંને યુવકોએ કયા નશાકારક પદાર્થનો નશો કર્યો છે. ઉપરાંત ક્યાંથી અને નશા યુક્ત પદાર્થ લાવ્યા હતા. તેની પૂછપરછ કરવા સાથે કયા વ્યક્તિ દ્વારા તેમને આ પદાર્થનું વેચાણ કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
નબીરાએ ડ્રગ્સના ઓવરડોઝમાં અકસ્માત સર્જી આતંક મચાવ્યો ?

વડોદરામાં હોળીની સાંજે નશામાં ધૂત બનેલા કાર ચાલકે 3 વાહનોને અથડાવીને 8 વ્યક્તિને અડફેટમાં લીધા હતા જેમાં 1 મહિલાનું મોત થયું છે અને સાત વ્યક્તિ ઘાયલ થયા છે ત્યારે આ યુવકે ક્યાં નશો કર્યો હતો તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ થઇ રહી છે. યુવકે દારુનો નશો કર્યો હતો કે ડ્રગ્સનો નશો કર્યો હતો તેની તપાસ માટે પોલીસે યુવકના બ્લડ સેપલના 2 નમુના લીધા છે .જેથી જાણ થઇ શકે કે તેણે ડ્રગ્સના ઓવરડોઝના નશામાં ફુલસ્પીડમાં કાર ચલાવી તો ન હતી ને?
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયેલા છે તેમાં આ યુવક રક્ષિત બેફામ બુમો પાડી રહેલો જોવા મળે છે અને તેને જોતાં તેણે દારુ કે ડ્રગ્સનો નશો કરેલો હોવાનું જોવા મળે છે. તેનું વર્તન જોતાં તેણે ડ્રગ્સનો ઓવરડોઝના કારણે આ અકસ્માત સર્જયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ રક્ષિત તથા તેના મિત્રોની પૂછપરછ કરશે તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને ઉડાવ્યા હતા.
રાજ્યમાં અવાર નવાર નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો બનતા રહે છે અને ઘણા કેસોમાં તો નબીરાઓએ દારુ કે ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું પણ જોવા મળે છે. રાજ્યમાં દારુબંધી છે પણ કોઇ પણ વિસ્તાર એવો નહીં હોય કે જયાં દેશી કે અંગ્રેજી દારુ નહીં મળતો હોય. અવાર નવાર સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા પાડીને દારુ પકડે છે પણ મોટા ભાગે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરે છે અને તેથી જ દારુબંધીવાળા ગુજરાતમાં દારુનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે આ મામલે હવે કડક થવું જરુરી છે કારણ કે નશામાં રહેલો વ્યક્તિ કોઇપણ ગુનાને અંજામ આપી શકે છે. દારુની જેમ ડ્રગ્સ પણ રાજ્યમાં મળતું જ હોય છે. ડ્રગ પેડલર્સ ડ્રગ્સના બંધાણી સુધી ડ્રગ્સ પહોંચાડી દે છે. ડ્રગ્સ સામે પણ પોલીસની કાર્યવાહી તો થાય છે પણ અસરકારક કામગિરી થતી હોય તેવું જોવા મળતું નથી કારણ કે ડ્રગ્સ હંમેશા વેચાતું જ હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે હવે દારુ અને ડ્રગ્સ ના વેચાણ પર કડક કાર્યવાહી કરવી જ જોઇએ.
દારુના નશામાં આ યુવકે નિર્દોષ લોકોના ભોગ લીધા છે. લોકોએ તો સ્થળ પર તેની હરકતો જોતાં મેથીપાક ચખાડી જ દીધો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.
કારેલીબાગ વિસ્તારમાં ઓવર સ્પીડમાં કાર ચલાવવાના કારણે અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણ ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. બંને નશામાં હોય પોલીસ દ્વારા તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું ત્યારે રેપિડ ટેસ્ટ દરમિયાન બંને યુવકોએ ડ્રગ્સ નો નશો કર્યો હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ કોની પાસેથી કેટલા રૂપિયામાં તેમજ આ ડ્રગ્સનો તેમની સાથે અન્ય કોઈ યુવકોએ નશો કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
