વડોદરાના ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં દરરોજ મોડી રાત્રે હવામાં ગંદો ગેસ છોડવામાં આવતો હોવાનો સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે. દરરોજ રાત્રે 12 વાગ્યા પછી કેટલાક ફેક્ટરી સંચાલકો ગંદો ગેસ હવામાં છોડતા હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી છે. આવો દુષિત ગેસ શ્વાસ લેવામાં સમસ્યા ઊભી કરે છે, લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે, અને ખાસ કરીને બાળકો તથા વૃદ્ધો માટે ગંભીર પરિસ્થિતિ ઉભી કરે છે. સ્થાનિક રહેવાસીઓએ અવારનવાર આ સમસ્યાને લઈ પ્રશાસનને રજૂઆત કરી છે, પણ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી. પ્રદૂષણની અસર વધતી જાય છે અને ઉનાળાની શરૂઆત સાથે સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ગરમીના કારણે લોકોને બારી-દરવાજા ખોલી શકતા નથી, કારણ કે ગંદો ગેસ શ્વાસમાં જવાની ભીતિ રહે છે.
હાલમાં જ યોજાયેલી બજેટ બેઠકમાં વડોદરામાં પ્રદૂષણ અટકાવવા માટે શહેરમાં 1,000 ફાઉન્ટન બનાવવાની યોજનાનો પ્રસ્તાવ રજુ કરાયો હતો. આ બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, “શહેરમાં ઉદ્યોગો વધી રહ્યા છે અને સાથે પ્રદૂષણનો સ્તર પણ વધી રહ્યો છે. ભવિષ્યમાં આ સમસ્યા વધુ ગંભીર ન બને, તે માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.”
ગોરવા-સુભાનપુરા વિસ્તારમાં આ સમસ્યાના લાંબા સમયથી ઉકેલ ન આવતા હવે સ્થાનિકો ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ માંગણી કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવો ગેસ છોડતા ફેક્ટરીઓ પર તાત્કાલિક દંડ અને અન્ય કાયદેસર પગલાં લેવાય.
