ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ દેખાયો
(પ્રતિનિધિ) મહેમદાવાદ તા.11
ડાકોરમાં રાજા રણછોડરાયજીના દર્શન માટે જતાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે માર્ગ ઉપર ભારેખમ વાહનોનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પરિણામે શ્રદ્ધાળુ ભક્તો મુક્ત મને વિહાર કરી રહ્યા છે. આ શ્રદ્ધાળુ ભક્તોના હૃદયમાં પ્રભુને મળવાની એક જ ખેવના છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ‘ભગવાન શ્રી સ્વયંમ્ જ્યારે હોળી રમતા હોય અને તેઓના રંગની પિચકારીથી જે માનવી રંગાય છે. તેના શરીરના તમામ રોગ મટી જાય છે, સાથે સાથે તેનો વૈકુંઠમાં વાસ થાય છે.’ એવું કહેવાય છે. જેના પરિણામે ડાકોરના ઠાકોરના દર્શન માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ફાગણી પૂનમના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ચોમેરથી ઉમટી પડ્યા છે. માત્ર એક જ વિસ્તારમાંથી જ નહિ પરંતુ અમદાવાદ, ગોધરા, વડોદરા, બાલાસિનોર અને લુણાવાડા તરફથી પણ માઈ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે.
આ અંગે તંત્રના જણાવ્યા પ્રમાણે ફાગણી પૂનમના મેળામાં 10 લાખ કરતાં વધુ પદયાત્રીકો તથા અન્ય વાહનોના સહયાત્રિકો દર્શન કરીને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવશે. હાલમાં ડાકોરના માર્ગો ‘જય રણછોડ’ના નાદ સાથે 38 ડિગ્રી તાપમાનમાં ધોળી ધજા સાથે ભક્તોથી ગુંજી રહ્યા છે. અમદાવાદ તરફથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. હાથીજણ સર્કલથી ડાકોર માર્ગ પર ભક્તોનો વિશેષ ધસારો જોવા મળી રહ્યો છે. માર્ગ પર આવતા ગામોના લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ખાત્રજ ચોકડી પર મહેમદાવાદના 42 વર્ષથી ચાલતા સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટો વિશાળ વિસામો ઊભો કરીને યાત્રિકો ભોજન પ્રેમભાવથી પીરસવામાં આવી રહ્યાં છે પૂજ્ય મોહન ભગત સ્થાપિત આ કેમ્પમાં હાલમાં મહેમદાવાદ શહેરમાંથી અનેક અબાલ-વૃદ્ધ સ્વયંસેવક તરીકે દિવસ રાત સેવાઓ આપી રહ્યા છે.
