31 માર્ચ સુધીનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો પ્રયાસ
નાણાકીય વર્ષના અંતિમ 20 દિવસ બાકી છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 724 કરોડના સામાન્ય વેરા લક્ષ્યાંકમાંમાંથી અત્યાર સુધીમાં 625 કરોડની વસૂલાત કરવામાં આવી છે. બાકી રહેલા 100 કરોડ વસૂલવા માટે હવે વોર્ડ લેવલે તાકીદ અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરરોજ સરેરાશ રૂ.5 કરોડની વસૂલાત હાંસલ કરવાની યોજના બનાવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પરેશનના ડેપ્યુટી કમિશનરે આસિસ્ટન્ટ કમિશનરો, વોર્ડ ઓફિસરો અને રેવન્યુ અધિકારીઓની મીટીંગ યોજી હતી, જેમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે જરૂરી પગલાંની ચર્ચા કરવામાં આવી છે. બાકી રહેલા વેરા પર આકરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે, જેમાં પ્રી-ડેટ ચેક દ્વારા ત્વરિત વસૂલાત, કોમર્શિયલ મિલકતો માટે બાકી વેરા ભર્યા નહીં તો મિલકત સીલ કરવાનું સૂચન, રહેણાંક મિલકતો માટે બાકી વેરા પર પાણીના કનેક્શન કપાવાની તાકીદ, વન ડે વન વોર્ડ યોજના હેઠળ નબળી વસૂલાત ધરાવતા વોર્ડમાં ખાસ ટીમો મોકલવી, વોરંટ અને નોટિસો દ્વારા બાકીદારો પર દબાણ કરવા સહિતની કામગીરી હાથ ધરવા તાકીદ કરાઇ છે.
વેરા ભરવામાં સરળતા રહે તે માટે 31 માર્ચ સુધી શનિવાર અને રવિવારે પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ખુલ્લી રહેશે. કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે વ્યાજ રાહત યોજના અમલમાં છે, જેથી વધુને વધુ લોકો વેરા ભરવા પ્રોત્સાહિત થાય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 31 માર્ચ સુધી લક્ષ્યાંક પ્રાપ્ત કરવું મોટી પડકારરૂપ બાબત છે. આ માટે તંત્ર હવે ઝડપી અને સખત પગલાં લઈ રહ્યું છે.
