વડોદરા તા.7
ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ધોબીનું કામ કરતા 45 વર્ષના અપરિણીત યુવકે અગમ્ય કારણોસર માંજલપુર ઈવા મોલ પાસે આવેલી ડ્રીમ આઇકોનિયા બિલ્ડીંગના નવમા માળ પરથી નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. સ્થાનિકોએ જાણ કરતાં માંજલપુર પોલીસે દોડી આવી લાશનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા બ્રિજેશ પરદેશી
(ઉં.વર્ષ.45) અપરિણીત છે અને તેના માતા પિતા સાથે રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી તેનું લગ્ન થતું ન હોય દુઃખી રહેતો હતો. દરમિયાન 7 માર્ચના રોજ સવારના સમયે યુવક માંજલપુર વિસ્તારમાં આવેલા યુવા મોલ નજીક ડ્રીમ આઇકોનિયા બિલ્ડીંગ પાસે આવ્યો હતો અને નવમા માળે ચડી ગયા બાદ અગમ્ય કારણોસર બિલ્ડીંગ પરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા માંજલપુર પોલીસને યુવકે આપઘાત કર્યો હોવાની જાણ કરતા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લાશ ને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
