35 ડિગ્રી તાપમાનમાં જ નવા રસ્તાઓ પીગળ્યાં, કોન્ટ્રાકટર અને પાલિકાની બેદરકારી સામે આવી
વડોદરામાં તાજેતરમાં બનેલા નવા રસ્તાઓના ગાળિયા પહેલી જ ગરમીમાં ઊઘડી રહ્યા છે. ખાસ કરીને દિવાળીપુરા વિસ્તારમાં હેવમોરથી ઘડિયાળ સર્કલ સુધીના નવા રોડ પર ડામર પીગળી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને તાપમાન માત્ર 35 ડિગ્રી છે, તો પણ વાહનના ટાયર રસ્તા પર ચોંટી રહ્યા છે. આ પરિસ્થિતિએ કોન્ટ્રાકટર અને પાલિકા પર સવાલો ઊભા કર્યા છે. જે રસ્તાઓ તાજેતરમાં જ બાંધવામાં આવ્યા છે, તેઓ નીવડેલા તાપમાનમાં પણ ટકી શકતા નથી, તો ઉનાળાના ચરમસીમા પર આ રોડ કઈ સ્થિતિમાં હશે?
તાજેતરમાં જ તાત્કાલિક સુધારાના ઉકેલ તરીકે પાલિકા દ્વારા આ રસ્તા પર માટી જેવું મટિરિયલ નાખવામાં આવ્યું, પણ આ પગલાં ફક્ત કોન્ટ્રાકટર માટે નફો બચાવવાનો એક ઉપાય છે. રસ્તાના ડામર પિગળવાના કારણો પર તજજ્ઞો માને છે કે, ક્વૉલિટીનું મટિરિયલ, જરૂરી તાપમાનની તપાસ વિના કામ કરવાથી આવા રસ્તાઓ ઝડપથી ખરાબ થાય છે. વહાનચાલકો માટે આ પરિસ્થિતિ ભારે જોખમી બની શકે છે. રોડ પર ટાયર ચિપકવાને કારણે આવા રસ્તાઓ પર અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. જો આવા રસ્તાઓ પર વાહન અકસ્માત અને અન્ય કોઈ મોટી જાનહાનિ થાય, તો તેનું જવાબદાર કોણ? કોન્ટ્રાકટર કે પાલિકા?
તજજ્ઞોના મતે, રસ્તાના તાપમાન અને મટિરિયલના ગુણવત્તાની યોગ્ય તપાસ થવી જોઈએ. સ્વીકૃતિ આપતા પહેલા રોડની મજબૂતાઈ અને ડિઝાઇનની કડક ચકાસણી કરવી જોઈએ. આવા રસ્તાઓ પર કવોરીનું જીણું મટિરિયલ ઉમેરવું જોઈએ, જેથી તાપમાનથી ડામર ન પીગળે. શહેરમાં બનેલા નબળા રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાકટર અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં, એ નાગરિકો માટે મોટો પ્રશ્ન છે. શું ભવિષ્યમાં પણ આવું જ ચાલશે? આજે જો યોગ્ય તપાસ અને કાર્યવાહી ન થાય, તો આવનારા ઉનાળામાં વધુ રસ્તાઓ પિગળશે અને વધુ મુશ્કેલીઓ ઊભી થશે.
